અજબ ગજબની દુનિયા

- હેન્રી શાસ્ત્રી
બાપનાં કર્યાં બાળકોને વાગ્યાં…
જાણે-અજાણે કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે અને પછી એનું ફળ ભોગવવું પડે ત્યારે ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ કહેવતનો ઉપયોગ થાય છે. જોકે, સાહિત્ય, સિનેમા અને સંગીત માટે ખ્યાતનામ ઈટલીમાં એક પિતાની વધુ પડતી સાવચેતીના કારણે સંતાનોને સહન કરવાનો વારો આવ્યો હોવાથી ‘બાપના કર્યા બાળકોને વાગ્યા’ કહેવત કહેવી જોઈએ. થયું છે એવું કે કોવિડ-19ની મહામારી દરમિયાન વાઈરસથી સાવચેતી રાખવા અને વેક્સિનેશનથી બચવા ડચ પિતાશ્રીએ ઈટલીના પિડમોન્ટ નામના પ્રાંતમાં વસવાટ કર્યો. વાઈરસ બાળકોને ભરખી જશે એ ભયથી ડચ ડેડીએ બાળકોને સ્કૂલમાં પણ દાખલ ન કર્યા અને પ્રાંતના છેવાડે એકલવાયા વિસ્તારમાં વસવાટ કર્યો અને બાળકોને માનવ વસતિથી સતત દૂર રાખ્યા. અલબત્ત, ખાણીપીણી તેમજ રમકડાં – પુસ્તક જેવી બધી જરૂરિયાતો પૂરી કરી,પણ એકાંતવાસનું એવું વિપરીત પરિણામ આવ્યું કે નવ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રીને લખતા – વાંચતા તો નથી જ આવડતું, વાતચીત કરવા પણ એ લોકો અસમર્થ છે. બહારની દુનિયા સાથે સંપર્ક તૂટી જવાથી ‘ભૂત’ જેવી એમની અવસ્થા બની ગઈ છે. આ આખી વાત જાહેર થયા બાદ અદાલતે મા- બાપ બાળકોની સારસંભાળ રાખી શકે એમ નથી એવું જણાવી દીધું છે અને બાળકોનો કબજો એક સંસ્થાને સોંપી દેવામાં આવ્યો છે.
મશીન માટે માણસનું મમત્વ
જીવન સરળ બનાવવા માણસે મશીનની રચના કરી. ઔદ્યોગિક મશીનરીનો પ્રારંભ 1770ની આસપાસ થયો. 250 વર્ષમાં મશીને એવી પ્રગતિ કરી છે કે મનુષ્યને બદલે એને પ્રાધાન્ય મળી રહ્યું છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ- AIનો કરિશ્મા તો એ હદે છવાઈ મનુષ્ય જીવનમાં એન્ટ્રી લઈ રહ્યો છે કે કુછ ભી હો સકતા હૈ. અનેક ક્ષેત્રે જબરદસ્ત હરણફાળ ભરી રહેલું ચીન પુરુષોની સોકરની રમતમાં ગોકળગાય સાબિત થયું છે. 90 વર્ષમાં વર્લ્ડ કપમાં રમવા ચીનની પુરુષોની ટીમ એક જ વાર પાત્ર ઠરી છે. આ પરિસ્થિતિમાં રોબોટ ટીમ દ્વારા સોકરની રમત બીજિંગના ખેલકૂદ ચાહકોમાં લોકપ્રિય બની રહી છે. AI ની મદદથી રમાયેલી સોકર મેચોમાં ચાર ટીમનો સહભાગ હતો. માનવીય દેખરેખ કે હસ્તક્ષેપ વગરની આ સોકર મેચોમાં રોબોટ માનવ ખેલાડીઓ જેવી અને ક્યારેક વધુ કુશળતાનું પ્રદર્શન કરી રમ્યા અને મેદાન પર માનવ ખેલાડીઓ દરમિયાન થતી હરકતો પણ જોવા મળી હતી. આ મુકાબલા જોવા માટે ચાઈનીઝ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળતા આવતા મહિને બીજિંગમાં આયોજિત વિશ્વના પ્રથમ વર્લ્ડ હ્યુમનોઈડ રોબોટ ગેમ્સમાં સોકરને પણ સામેલ કરવામાં આવ્યું છે. ભવિષ્યમાં કાળા માથાના માનવી અને કાળા રંગના રોબોટ વચ્ચે પણ મેચ રમાડવાની યોજના છે. મનુષ્યના દિમાગ અને યાંત્રિક દિમાગ વચ્ચેનો મુકાબલો રસપ્રદ સાબિત થશે.
AAI હૈ તો ખોળાનો ખૂંદનાર મુમકિન હૈ!
AI-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સગવડો કુટુંબ કલ્યાણમાં વધારો કરી રહી છે એવા અનેક કિસ્સા જાણ્યા પછી નવી નક્કોર વાત એ છે કે આ ટેકનોલોજી હવે કુટુંબ વિસ્તારમાં સુધ્ધાં મદદરૂપ થઈ રહી છે. લગ્નના 18 વર્ષમાં અનેક કોશિશ કરવા છતાં ખોળાનો ખૂંદનારથી વંચિત રહેલા યુગલના ઘરમાં AIની મદદથી કિલકિલાટ સાંભળવા મળશે. સંતાન જન્મ માટે નિમિત્ત બનતા પુરુષના વીર્યમાં રહેલા શુક્રાણુની સંખ્યા ઓછી હોવાથી ી ગર્ભવતી નહોતી બની રહી. ટેક્નોલોજીની મદદથી સંતાઈ રહેલું શુક્રાણુ શોધી કાઢી એને પત્નીના રજ:પિંડ સાથે મિલન કરવામાં સફળતા મળતા ી પ્રેગ્નન્ટ બની છે. ‘સ્પર્મ ટ્રેકિંગ એન્ડ રિકવરી’ તરીકે ઓળખાતી આ પદ્ધતિથી વિશ્વમાં પહેલીવાર ગર્ભધારણ શક્ય બન્યું છે. ‘AI હૈ તો મુમકિન હૈ…’ 18 વર્ષ સુધી ફાંફાં માર્યા બાદ અંતે ગર્ભવતી બની હોવાની વાત ગળે ઉતરતા ીને બે દિવસ લાગ્યા. નરસિંહ મહેતાની જેમ ‘જાગીને જોઉં તો માનવામાં આવે નહીં કે હું પ્રેગ્નન્ટ છું’ જેવી લાગણી પત્નીએ અનુભવી અને સ્કેન રિપોર્ટ જોયા પછી જ પોતે મા બનવાની છે એની ખાતરી થઈ ગઈ.
મન હોય તો માળવે જવાય
રિ- ડેવલપમેન્ટને કારણે વિસ્તારમાં થતા નવા બાંધકામ અન્ય રહેવાસીઓ માટે કેવી મુશ્કેલી ઊભી કરે છે એ વાતથી મુંબઈગરા સુપેરે વાકેફ છે. વાતાવરણમાં ફેલાઈ જતા ધૂળના રજકણો, એને કારણે થતું પ્રદૂષણ અને કાન ફાડી નાખે એવો ઘોંઘાટ અનિવાર્ય દૂષણ છે. અલબત્ત, માનવ જીવનના ઉત્કર્ષ માટે અનેક બાબતે અગ્રસર રહેતા ચીનમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પ્રદૂષણ અને ઘોંઘાટની સમસ્યા ઘટાડવા માટે એક અનોખી પહેલ જોવા મળી રહી છે.
50 મીટર ઊંચાઈનો હવા ભરેલો ગુંબજ ચીનના જિનાન શહેરનો વીસ હજાર ચોરસ મીટર વિસ્તાર આવરી લે છે. આ બલૂન નેગેટિવ પ્રેશર અને આધુનિક એર ફિલ્ટરેશન ટેકનિકથી બાંધકામને કારણે થતી ધૂળ નજીકના વિસ્તારમાં જતી અટકાવે છે. એટલું જ નહીં, સાઈટ પર કામ કરતા મજૂરોના ફેફસાંમાં જતી હવાની સ્વચ્છતાની પણ તકેદારી રાખે છે. ઘોંઘાટ પણ ઘટાડે છે. બાંધકામમાં પારદર્શી મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાથી ગુંબજ હેઠળના વિસ્તારમાં પૂરતો સૂર્યપ્રકાશ રહે છે અને દિવસ દરમિયાન કૃત્રિમ લાઈટનો ઉપયોગ નથી કરવો પડતો. આ ગુંબજ ઊભો કરવો કે સમેટી લેવું અત્યંત આસાન હોવાથી બાંધકામ પૂર્ણ થયા પછી અન્ય સ્થળે આસાનીથી લઈ જઈ ઉપયોગમાં લઈ શકાય છે. પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા અખતરાને સફળતા મળશે તો સમગ્ર ચીનમાં એનો ઉપયોગ જોવા મળશે. અને ચાઈનીઝ પ્રોડક્ટ મોટેપાયે વાપરતા આપણા દેશમાં પણ એના પગલાં થશે એમાં કોઈ શંકા નથી.
આપણ વાંચો: અજબ ગજબની દુનિયા: નિશાને ઉષા સાથે ક્યાંથી ફાવે?
લ્યો કરો વાત
ચાહકો ક્રિકેટરના હોય કે ફિલ્મ સ્ટારના કે અન્ય કોઈ સેલિબ્રિટીના, એક અનોખું ગાંડપણ એમના પર સવાર હોય છે. આ સેલિબ્રિટીની અંગત વસ્તુ મેળવવાની તીવ્ર ઘેલછા ચાહકોમાં હોય છે. 1954માં હોલિવૂડની ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ હીરોઈન મેરેલિન મનરોએ પાસપોર્ટ માટે પડાવેલા અઢી ઈંચના ફોટોગ્રાફની તાજેતરમાં હરાજી થઈ અને કોઈ મિસ્ટર ઘેલારામે 21,665 ડૉલર (આશરે 18 લાખ રૂપિયા) ચૂકવી ખરીદી લીધો. લગ્ન પછી હનીમૂન માટે જાપાન જવું હતું એટલે પાસપોર્ટ બનાવવા આ ફોટોગ્રાફ પાડવામાં આવ્યો હતો. જોકે, કોઈ કારણસર એ પાસપોર્ટ અધિકારી પાસે જ રહી ગયો અને 70 વર્ષ પછી એની લીલામી થઈ.