ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

  • હેન્રી શાસ્ત્રી

બિલાડાની દેખભાળ માટે તગડો પગાર

સારી નોકરીની વ્યાખ્યા શું?
કામનો સંતોષ મળે એ કે પછી મોટો હોદ્દો આપે એ કે ઊંચો પગાર આપે એ? દરેકની પોતપોતાની વ્યાખ્યા હોઈ શકે છે. અલબત્ત, આજના જમાનામાં સોલિડ સેલરી પહેલો અને એકમાત્ર માપદંડ હોઈ શકે છે. હા, મોટા વેતન સાથે જવાબદારીનું લિસ્ટ પણ એટલું જ મોટું હોય છે. યુકેની એક કંપનીએ બિલાડાની દેખરેખ માટે આપેલી એક જાહેરખબર માટે 400થી વધુ અરજી આવતા એ જાહેરખબર પાછી ખેંચી લેવી પડી હતી. આ બિલાડો નામે જેરી કંપનીના રશિયન બોસનો પાળેલો છે. બોસને વારંવાર ટુર પર જવું પડતું હોવાથી બિલાડાને સહેવી પડતી એકલતા દૂર કરવા કેર ટેકર માટે અરજીઓ મગાવવામાં આવી છે. યુકેના ધોરણ અનુસાર ખૂબ જ તગડા પગારવાળી (કલાકના 70 પાઉન્ડ – સાત હજારથી થોડા વધારે) આ નોકરી મેળવનારે દર મહિને નવા રમકડાં ખરીદવાના, એની હેલ્થનું ધ્યાન રાખવાનું અને એ શાંતિપૂર્ણ અને સન્માનજનક વાતાવરણમાં રહે એની તકેદારી રાખવાની. હજી લિસ્ટ પૂરું નથી થયું. બિલાડા સાથે દરરોજ રમવાનું, એ ખાતો હોય એ જગ્યા અને મળ મૂત્ર ત્યાગ કરે એ જગ્યાની સફાઈ કરવાની, તાજું દૂધ અને ભાવતા ભોજનની વ્યવસ્થા કરવાની અને દરરોજ તેની ત્વચાની સંભાળ રાખવાની અને હા, દર શુક્રવારે જેરી માટે શાસ્ત્રીય સંગીત વગાડવાનું. પગાર અત્યંત આકર્ષક છે, પણ જવાબદારી?

નકલી ચેહરા સામને આએ, અસલી સુરત છૂપી રહે…

સાહિર લુધિયાનવી લખી ગયા છે કે ‘નકલી ચેહરા સામને આએ, અસલી સુરત છૂપી રહે’. પાંચ દાયકા પહેલા લખાયેલી આ પંક્તિનો સાક્ષાત્કાર શાંગહાઇ એરપોર્ટ પર એક ચીની યુવતીને તાજેતરમાં થયો છે. એટલું જ નહીં, ગીતની આગળની પંક્તિ છે ‘ખુદ સે ભી જો ખુદ કો છૂપાયે ક્યા ઉનસે પેહચાન કરે’ જેવું આબેહૂબ યુવતી સાથે થયું. વાત એમ છે કે બ્યુટીપાર્લરમાં જઈ મુખારવિંદ પર રંગરોગાન કરાવી, બનીઠની ચાઈનીઝ લલના હવાઈ સફર માટે એરપોર્ટ પહોંચી. આજના મોડર્ન ટેક્નોલોજીના યુગમાં ગેરરીતિઓ ટાળવા ફેસ રેકગ્નિશન જેવી પદ્ધતિ અનિવાર્ય બની રહી છે. જરૂરી ડોક્યુમેન્ટ્સની ચકાસણી બાદ મેડમના ચેહરાની ઓળખ માટે મશીન સામે ઊભી રાખવામાં આવતા કેમેરાએ કહી દીધું કે: ના, ફોટોઆઈડીમાં જે બેનબા છે એ આ નથી…..!

સલામતી અધિકારીઓ વિચારમાં પડી ગયા, કારણ કે બાકી બધી માહિતી પરફેક્ટ હતી. અંતે ‘ઘાયલ કો કૌન જાને, ઘાયલ’ એ નાતે એક મહિલા ઓફિસરના મગજમાં બત્તી થઈ અને એમણે પેલીને તાબડતોબ મોઢા પરના લપેડા – થપેડા દૂર કરવા કહ્યું. બધો મેકઅપ દૂર થતા યુવતી ફોટામાં હતી એવી જ દેખાવા લાગી. ત્યારબાદ ફેસ રેકગ્નિશન પદ્ધતિએ ‘ઓકે’ કર્યું એ પછી એને ઊડવાની મંજૂરી મળી ગઈ.

જાના થા જાપાન, પહુંચ ગએ ચીન

વાર્તામાં ક્યારે કેવો વળાંક આવે અને ક્યાંથી શરૂ થયેલી વાત ક્યાં વિરમે એની કલ્પના કરવી અશક્ય છે. ફ્રોમ રશિયા વિથ લવ જેવી આ સ્ટોરી એનો વિલક્ષણ નમૂનો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી સ્ટોરીમાં લગ્નજીવનમાં આવેલી ખટાશને મીઠાશમાં રૂપાંતર કરવાના પતિના પ્રયત્નો ઊંધા વળી ઉકરડામાં ખાબક્યાં એની વાત હતી. લગ્નજીવનમાં ભંગાણ પડતું અટકાવવા મોસ્કો નિવાસી પતિએ પત્નીને સરપ્રાઈઝ આપવા 27 લાખ રૂપિયાની પોર્શે કાર ગિફ્ટ આપી અને એ પણ પ્રેમના પ્રતીક ગણાતો વેલેન્ટાઈન્સ ડે હતો ત્યારે. જોકે, આ કાર સેક્ધડહેન્ડ હતી અને એમાં થોડું રિપેરિંગ પણ જરૂરી હતું. ગિફ્ટ મળતા જ વાઈફ વ્હાલ કરશે એવી પતિની ગણતરી સાવ ઊંધી વળી ગઈ, કારણ કે ‘આપી આપી આવી જૂની અને ડેમેજ કાર આપી?’ પત્નીનો મગજનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. ‘આ કાર ગિફ્ટ નથી, મારું ઈન્સલ્ટ છે.’ એવું રોકડું પરખાવી દીધું. પતિશ્રી એ હદે હતાશ થઈ ગયા કે આખેઆખી કાર ઉકરડામાં પધરાવી દીધી. ચારેકોર આ કરુણ કથની ફેલાઈ ગઈ અને લોકો તો એ કાર સાથે સેલ્ફી લેવા આવવા લાગ્યા. જોકે, આ સ્ટોરીમાં એક અણધાર્યો વળાંક આવ્યો કોઈ વેબસાઈટ દ્વારા આ સ્ટોરીની ખણખોદ કરવામાં આવતા જાણવા મળ્યું કે પતિ – પત્નીની સ્ટોરી ઉપજાવી કાઢેલી છે. કેટલાક બ્લોગરોએ વીડિયોના ફિલ્માંકન માટે એ કાર ઉકરડામાં પધરાવી હતી. હવે નવો ફણગો એ ફૂટ્યો છે કે ઉકરડે પોર્શે કાર પધરાવનારા લોકોને વેસ્ટ મેનેજમેન્ટના નિયમોનો ભંગ કરવા બદલ દંડ કરવામાં આવશે. જોયું ? ક્યાંથી શરૂ થયેલી વાત ક્યાં જઈ ક્યાં પહોંચી ગઈ?

યમના કહેણ જેવો નિયમ

નિયમ બનાવવો એ પ્રત્યેક વ્યવસ્થાની જરૂરિયાત છે અને એ નિયમનું પાલન કરવું એ દરેક નાગરિકનો ધર્મ છે. જોકે ‘અચાનક’ ફિલ્મમાં જેલથી ભાગી છૂટેલા કેદીને હોસ્પિટલમાં સારવાર આપી મોતના મુખમાંથી ઉગારી ફાંસીને માંચડે ચડાવાય છે જેવો કાયદો પાલન નજરે પડે ત્યારે ‘કાયદો ગધેડો છે’ એ ઉક્તિમાં કેટલો દમ છે એનો એહસાસ થાય.
આવું જ કંઈક મેક્સિકોની એક બેંકમાં જોવા મળ્યું છે. 96 વર્ષનાં એક દાદીમાનું જીવન બેંકના ખાતામાં જમા થતા સરકારી પેન્શન પર નભતું હતું. સિસ્ટમના દોષને લીધે કે અન્ય કોઈ કારણસર બેન્કમાંથી પેન્શન ઉપાડ અટકાવી દેવામાં આવ્યો. બેન્ક તરફથી આદેશ આવ્યો કે ‘બ્રાન્ચમાં આવી જરૂરી પેપરવર્ક પતાવી તમારી ઓળખ નિશ્ર્ચિત બનાવો એટલે તમે પૈસા મેળવી શકશો.’ નિયમે નિયમનું કામ કર્યું, પણ ઢળતી ઉંમરે જુદી જુદી બીમારીઓ માટે હોસ્પિટલમાં બિછાનાગ્રસ્ત દાદીને ફરજિયાત બૅંકમાં હાજર રહેવા કહેવાનો નિયમ યમના કહેણ જેવો છે એવી સાર્વત્રિક પ્રતિક્રિયા આવી. એમ્બ્યુલન્સમાં લાવી દાદીને સ્ટ્રેચરમાં બેસાડી બેન્ક દ્વારા બધી ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી એનો વીડિયો – ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતા બૅંક સામે ટીકાનો ધોધ વહ્યો અને સંવેદનશીલતા મરી પરવારી છે કે શું એવો વિચાર અનેક લોકોને આવી ગયો.

આપણ વાંચો:  વ્યંગ : એક બે વાર નહીં, પણ છ વાર આદર્યાં અધૂરાં?

લ્યો કરો વાત!

ફાસ્ટર ધેન ધ ફાસ્ટેસ્ટ થવાની માણસની અભિલાષા હાયર ધેન ધ હાઈએસ્ટ દિશામાં આગળ વધી રહી છે. 1988માં 100 મીટર દોડમાં 9.79 સેક્ધડનો વર્લ્ડ રેકોર્ડ નોંધાવનાર કેનેડિયન એથ્લિટ બેન જોન્સનની સિદ્ધિ નોંધાયા પહેલા ભૂંસાઈ ગઈ, કારણ કે દોડવીરે ડોપિંગ (એથ્લેટિક પરફોર્મન્સ બહેતર બનાવવા પ્રતિબંધિત ડ્રગ્સનો ઉપયોગ)ની કબૂલાત કરી હતી. ગઈકાલે કહેવાતી અનીતિ હવે નીતિ બનશે કે કેમ એની તરફ આંગળી ચીંધતી ‘ઓલિમ્પિક્સ ગેમ્સ ઓફ સ્ટીરોઈડ્સ’નું આયોજન આવતા વર્ષે થઈ રહ્યું છે. યુએસના લાસ વેગસમાં થનારા આ રમતોત્સવમાં એથ્લિટો બાકાયદા સ્ટિરોઈડ્સનો ઉપયોગ કરશે અને પોતાના પર્ફોર્મન્સને નવી ઊંચાઈએ લઈ જવાની કોશિશ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button