અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
બનાવટનું અસલી કારણ ચોરી, બેઈમાની જેવાં લક્ષણ ઘણી વાર પરિસ્થિતિની પેદાશ હોય છે. મધ્ય પ્રદેશના ભોપાલ શહેરમાં એક યુવતી નકલી એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ (એસપી) બની ગર્દીવાળા વિસ્તારમાં રુઆબ જમાવવા પહોંચી ગઈ. એ સમયે અસલી મહિલા સબ – ઈન્સ્પેક્ટરનું ધ્યાન એના પર પડ્યું. એસપી મેડમના ગણવેશની નેમપ્લેટ જોઈ અસલીને લાગ્યું કે મેડમ નકલી છે.
તરત મેડમને લઈ પહોંચી પોલીસ સ્ટેશને અને પૂછપરછમાં ‘પોતે અસલી પોલીસ નહીં’ હોવાની કબૂલાત કરતાં શિવાની નામની યુવતીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. ના, માફી મેળવવાનું આ કોઈ નાટક નહોતું. વાત એમ હતી કે યુપીએસસીની મેઇન્સ પરીક્ષા પાસ કર્યા પછી યુવતી કામકાજ વિના ઘરમાં બેઠી હોવાથી ઘરના સભ્યો એને ટોણો મારતાં રહેતાં હતાં એટલે શિવાનીએ ખોટું ખોટું કહી દીધું કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં એની વરણી થઈ ગઈ છે.
સિલેક્શન થયા પછી નોકરીએ કેમ નથી ચડી? એ સવાલનો મારો થતા અને માંદગીના બિછાને હેરાન થતી માતાને શાંતિ મળે એ માટે શિવાનીએ દુકાનમાંથી પોલીસનો નકલી યુનિફોર્મ ખરીદ્યો અને ‘નોકરીએ લાગી ગઈ છું’ એમ જણાવ્યું. યુવતીનો ખુલાસો સાંભળી પોલીસ સ્ટેશનના ઉપરીની આંખો સજળ થઈ, પણ ફરજના ભાગરૂપે શિવાની સામે કેસ દાખલ કરી દીધો.
રોબોએ અપહરણ કર્યું રોબોનું…
ચીનના સોશિયલ મીડિયામાં ધમાલ મચી છે. લોકોની આંખો પહોળી થઈ ગઈ છે અને મોઢા આશ્ર્ચર્યમાં ખુલ્લા રહી ગયા છે. એક એવો બનાવ બન્યો છે જે સાંભળીને તો માનવામાં જ ન આવે, પણ આખેઆખો વીડિયો હાજર છે એટલે શંકાને કોઈ સ્થાન નથી રહેતું. રોબો (યંત્ર માનવ-રોબો) બનાવતી કંપનીના સર્વેલન્સ કેમેરામાં (ઝટ કોઈની નજરમાં ન આવે એવી દેખરેખ માટે ગોઠવણ ) એક રોબો શોરૂમમાં પ્રવેશતો દેખાય છે. બિલ્લીપગે એ રોબો અંદર રાખવામાં આવેલા ડઝન રોબો પાસે પહોંચે છે. ‘હેલો – હાઉ આર યુ’ જેવી ઔપચારિકતા પૂરી થયા પછી ‘તમારે ઓવરટાઈમ તો નથી કરવો પડતો ને?’ જેવા મુદ્દે વાતચીત થાય છે. વાતચીતમાં પાવરધો આગંતુક રોબો ડઝનમાંથી બે રોબોને ‘ચાલો, મારી સાથે’ સમજાવવામાં સફળ થાય છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે બે રોબો આગંતુકની વાત માની એની પાછળ પાછળ જાય છે અને સાથે બાકીના ૧૦ રોબો પણ ચાલતી પકડી શોરૂમમાંથી બહાર નીકળી જાય છે, બોલો….
Also read: યુ આર અન્ડર અરેસ્ટ…ડિજિટલ અરેસ્ટ!
શરૂઆતમાં લોકોને આ મનોરંજક વીડિયો લાગ્યો, પણ જેના શોરૂમમાંથી રોબો ‘ભગાડવામાં આવ્યા’ છે એ કંપનીએ અન્ય કંપનીના રોબો પર ‘અપહરણ’નું આળ મૂક્યું છે… !
વોટ ફોર ચિયર્સ
ચાન્સ મળતા જ મિત્રો સાથે પાર્ટી – શાર્ટીના શોખીનો માટે ‘પીનેવાલોં કો પીને કા બહાના ચાહિયે’ અત્યંત પ્રિય પંક્તિ છે. જોકે, પીવાના શોખીનો માટે ‘ડ્રાય ડે’ એક એવું વિઘ્ન છે જે કયારે પૂરો થાય ને ક્યારે ફરી ‘ભીના થવાય’ એની તાલાવેલી હોય છે. યુએસના ન્યુ જર્સી સ્ટેટના હેડન હાઈટ્સ નામના શહેરમાં છેલ્લાં ૧૨૦ વર્ષથી દરેક દિવસ ડ્રાય- ડે જ રહ્યો છે. મતલબ કે અહીં આટલાં વર્ષોથી દારૂબંધી છે. થોડા દિવસ પહેલા થયેલી સ્થાનિક ચૂંટણી વખતે રહેવાસીઓએ રેસ્ટોરાંમાં શરાબ સર્વ કરવા પરવાનગી આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. સાથે શરાબની દુકાન ખોલવાની પણ મંજૂરી મળી જશે. ૭૫૦૦ જનસંખ્યા ધરાવતા આ નગરના રહેવાસીઓને પાર્ટી – શાર્ટી કરવા બે અઢી કલાક ડ્રાઈવ કરીને બીજા શહેર જવું પડતું હતું અને ક્યારેક વધુ ‘લેવાઈ જાય’ તો ઘર વાપસીમાં મુશ્કેલી પડતી હતી. આ બધી ઝંઝટમાંથી હવે મુક્તિ મળશે અને એક સદી પછી ‘મૈં પીતા નહીં હૂં, પિલાઈ ગઈ હૈ’ ગીતના તાલે રસિયાઓ ઝૂમી ઊઠશે.
અપસેટ અમેરિકનોને ઈટલીનું ઈજન
ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને સજ્જડ પરાજય આપી રિપબ્લિકન પાર્ટીના ડોનલ્ડ ટ્રમ્પ યુએસએના પ્રેસિડેન્ટ બન્યા એ વાત કેટલાક અમેરિકનોને પેટમાં દુ:ખી છે. કમલા હેરિસ ચૂંટાઈ આવશે એ ઈચ્છા સાકાર નહીં થવાથી અપસેટ – અસ્વસ્થ થઈ ગયેલા ડેમોક્રેટિક પાર્ટીના સમર્થકો માટે ઈટલીના સાર્ડિનિયા નામના ગામે એક સ્કિમ તૈયાર કરી છે. ‘એક ડૉલર ચૂકવો અને ઘરના માલિક બનો’ નામની આ લલચામણી – લોભામણી યોજનામાં ઘણા અમેરિકનોને રસ પડ્યો છે. રખે એવું માનતા કે ઈટલીના ગામવાસીઓને અમેરિકનો માટે અનુકંપા જાગી છે.
ગ્રામીણ વિસ્તારના રહેવાસીઓ ઘર ખાલી કરી મોટા શહેરમાં કે વિદેશ સ્થળાંતર કરી રહ્યા હોવાથી ઈટલીના અનેક ગામડાં ભેંકાર થઈ રહ્યા છે. સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને ૨૦૧૮થી અહીં ‘એક યુરો આપો અને ઘર તમારું’ સ્કીમ ચલણમાં આવી છે. આ ગામડા ખાલીખમ થઈ ભૂતિયા ન બની જાય એ એકમાત્ર ઉદ્દેશ છે. અમેરિકન નાગરિક અને ટ્રમ્પની વરણી તો એક માર્કેટિંગ ગતકડું છે. અમેરિકનો આવશે તો ગામડાં ફરી ધબકતા થઈ જશે એવી ઈટલીના તંત્રને શ્રદ્ધા છે.
લ્યો કરો વાત!
રાણી એલિઝાબેથના અવસાન પછી પ્રિન્સ ચાર્લ્સ કિંગ ચાર્લ્સ બની ગયા. ‘પરંપરા જળવાઈ’ બ્રિટિશ જનતાએ કહ્યું. જોકે, ચાર્લ્સની તાજપોશીના ભપકાદાર કાર્યક્રમ માટે ૭ કરોડ ૨૦ લાખ પાઉન્ડ (૧ પાઉન્ડ = ૧૦૫ રૂપિયા) ખર્ચી નાખવામાં આવ્યા હોવાની વાત બહાર આવતા બ્રિટનની જનતા ચોંકી ગઈ છે. છેવટે આ પૈસા તો લોકોએ ભરેલા ટેક્સની જ રકમ છે ને?! આ રકમમાંથી દેશના આરોગ્યની દેખરેખ રાખતી ‘એનએચએસ’ સંસ્થાની ૨૦૫૭ નર્સનો વાર્ષિક પગાર (સરાસરી ૩૫ હજાર પાઉન્ડ) ચૂકવાઇ જાત અથવા ૧૧૦૭ ડોક્ટર (સરાસરી વાર્ષિક પગાર ૬૫ હજાર પાઉન્ડ) રાખી શકાયા હોત એવી ગણતરી મુકવામાં આવી છે. જોકે, સિંહને કોણ કહે તારું મોં ગંધાય છે…?