ઈન્ટરવલ

હેતુ વિના બંધાયેલા સબંધનો સેતુ ખૂબ જ મજબૂત હોય છે

વર્તમાન જિંદગીમાં બહુ ઝડપથી ઘટતી કોઈ વાત હોય તો તે છે સંબંધ

મગજ મંથન – વિઠ્ઠલ વઘાસિયા

ગુજરાતી વ્યાકરણમાં છઠ્ઠી વિભક્તિને ‘સંબંધ વિભક્તિ’ કહેવામાં આવે છે, જેના પ્રત્યય નો,ની, નું,ના છે.સંબંધ એટલે જોડાઈ જવું તે. સંયોગ, સંપર્ક, સંસર્ગ, જોડાણ, મિત્રતા, મિત્રાચારીનું, નાતો, સગપણ એટલે સંબંધ. આને એક પ્રકારની સગાઈ પણ કહેવાય. એકબીજા સાથે પરિચય થયા પછી મેળ થતાં બંધુત્વ અને આપ્તભાવનું જોડાણ થાય છે. વિવાહ સગાઈમાં પણ સારી રીતનું બંધન થાય છે. જોકે સંબંધમાં જોડાયેલ સંબંધીઓ ભિન્ન અથવા એકબીજાના આશ્રિત પણ હોઈ શકે. ટૂંકમાં સંબંધમાં સંયોગ અગત્યનો ભાગ ભજવે છે. દરેક સંબંધને સારી રીતે ટકાવીને જીવનભર નિભાવવા જોઈએ.

આજે તો સંબંધ જેટલી ગતિથી બંધાય છે, તેથી બમણી ગતિથી તૂટી જતાં નજરે પડે છે. અહીં એકમેકની વાણી મોટો ભાગ ભજવે છે. કહે છે કે બેકાળજીથી બોલાયેલા કોઈ શબ્દ નફરતની આગ પેદા કરી શકે છે.ઘાતકીપણે બોલાયેલા કોઈ શબ્દ કોઈના જીવનનો સર્વનાશ સર્જી શકે છે.તેનાથી ઊલટું સમય સૂચકતાથી બોલાયેલા શબ્દો કોઈની ચિંતા હળવી કરી શકે છે તો વળી પ્રેમથી બોલાયેલા શબ્દ કોઈના હૃદયના ઘા રૂઝવી શકે છે. આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે.

આપણે જાણીએ છીએ કે કેટલાક સંબંધ ખોટી માન્યતા કે અયોગ્ય વાણીને કારણે અકાળે તૂટી જતા દેખાય છે.સંબંધમાં પ્રથમ શરત છે પરસ્પરના માન અને વિવેકનું ભાન રાખવું. વિચાર્યા વિનાની વાણી – વિલાસ જોખમરૂપ સાબિત થઈ શકે છે અને સામી વ્યક્તિના હૃદયમાં ઊંડો આઘાત આપી શકે છે. કેટલાક સંબંધમાં તો જોહુકમી અને વધુ પડતી અપેક્ષાઓને કારણે મુશ્કેલીઓ આવતી હોય છે.આ સમયે સમજદારી કેળવવી જોઈએ. પરસ્પર પ્રેમ અને માન આપો તો જ પ્રેમ અને માન મળે.ગુસ્સામાં કંઈ બોલો તો જીવનભર દુ:ખ સહન કરવાનો વારો આવે તેવું પણ બને.હા,સંબંધમાં વિશ્ર્વાસ જોઈએ- શંકા કે વેરભાવના તકલીફ આપે છે.

સંબંધ બે રીતે બંધાય . એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી.બન્ને સ્વરૂપના સંબંધ ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવિક છે.દાખલા તરીકે પિતા- પુત્ર.એમની વચ્ચે લોહીનું એકત્વ છે.આથી આવા સંબંધને જન્મ કે રક્ત પર આધારિત સંબંધ કહેવામાં આવે છે.એ અપેક્ષાએ સંબંધ કે સંબંધોનું માધ્યમ કોઈ વ્યક્તિનું જોડાણ કે લગ્ન બને છે ત્યારે તેને જોડાણવાળા સંબંધ કહે છે.

સગપણ – સંબંધ કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે.માતૃમૂલક સમાજ વ્યવસ્થા અને પિતૃમૂલક સમાજ વ્યવસ્થામાં પણ સગપણ સંબંધની ઘરેડમાં તફાવત જોવા મળે છે.આવા સંબંધોની ઘરેડ તેના સભ્યો માટે કેટલાક નિષેધ તો મૂકે છે એની સાથે સાથે કેટલાક વિશેષાધિકાર પણ આપે છે.આવા સંબંધમાં રક્ત સંબંધીઓ અને લગ્ન જોડાણથી ઉદ્વેલા સંબંધો ઉપરાંત દત્તક લેવાને કારણે ઉદભવતા સંબંધોની ગણના પણ કરવામાં આવે છે.એ રીતે સામાજિક પિતૃત્વ પણ સગપણ – સંબંધ જન્માવે છે.

એક જ માતા પિતાનાં સંતાનો વચ્ચેના નિકટના સંબંધ સ્પષ્ટ છે. વળી સાથે રહેતા હોવાથી વધારે મજબૂત પણ હોય છે.સંબંધની ગણતરી અને વર્તનમાં લિંગ અને વય લક્ષમાં લેવામાં આવે છે.તેવી જ રીતે વ્યક્તિના રક્ત સંબંધો જેના દ્વારા નક્કી થાય છે તે વંશ કહેવાય છે.સામાન્ય રીતે માતૃવંશી અને પિતૃવંશી પ્રકાર પડે છે, પરંતુ કેટલાક અભ્યાસુઓ તેમાં ત્રીજું સ્વરૂપ દ્વિવંશી ઉમેરે છે, જેમાં માતા અને પિતા બંને તરફના સંબંધીઓનો સમાવેશ થાય છે.વંશજો વચ્ચેના સંબંધોમાં ભિન્નતા હોય છે, પરંતુ આ સંબંધો સરળ, ભાવના – સભર, ગાઢ અને અનૌપચારિક હોય છે.વિશ્ર્વના મોટાભાગના સમાજોમાં રક્ત- સગપણ – સંબંધીઓ વચ્ચે લગ્ન – નિષેધ પ્રવર્તે છે.વિકસતા દેશોમાં આવા નિષેધ વધારે કડક હોય છે.

સગપણ – સંબંધોની ઢબ મિલકત અને વારસાની વ્યવસ્થામાં ખૂબ મહત્ત્વની પુરવાર થઈ છે.વિકસતા અને વિકસિત કોઈપણ સમાજમાં મિલકત અને વારસો સગપણ – સંબંધને આધારે જ ગોઠવાય છે. એટલું જ નહીં, એ મિલકતની ફેરબદલીમાં પણ રક્ત – સંબંધ મહત્ત્વના બને છે.

જુદા જુદા સામાજિક,ધાર્મિક અને કૌટુંબિક પ્રસંગોમાં સગપણ – સંબંધોને સાંકળીને તેના મહત્ત્વને સ્વીકારવામાં આવ્યું છે, જેમ કે જન્મ – મરણ,લગ્ન – જનોઈ, સીમંત, વસ્તુ જેવા પ્રસંગોમાં જુદાં જુદાં સગાંઓ દાદા-દાદી,મામા – માસી,કાકા – કાકી, ફોઈબા – ફુઆ, ભાઈ – બહેન વગેરે સગાંઓને સાંકળવામાં આવે છે, જે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક જીવનમાં સગપણ – સંબંધોના મહત્ત્વને સ્પષ્ટ કરે છે.

વિશ્ર્વના બધા જ દેશોમાં સંબંધોની આ ઘરેડ એકસરખી નથી, છતાં બધે જ વધતે – ઓછે અંશે પ્રચલિત છે.વિકસિત,ખાસ કરીને પશ્ર્ચિમના સમાજમાં અત્યંત ઝડપી અને પરિણામલક્ષી વિકાસને લીધે નિકટના સંબંધોમાં પણ નૈકટ્ય ઓછું થવા લાગ્યું છે.મોટાભાગના લોકોને પહેલી કે બીજી કક્ષાના પિતરાઈથી આગળ ભાગ્યે જ કોઈ ઓળખાણ રહી હોય છે.પશ્ર્ચિમની અસર ભારતના સમાજ પર પણ પડતી જોવા મળે છે.આજના યુવાનોમાં કુટુંબ પ્રથાની ભાવના ઘટતી જાય છે.લગ્ન કરીને બાળકો પેદા કરવા કે સંયુક્ત કુટુંબ જેવી ભાવના ઘટી રહી છે.સમજો કે મોટાભાગના કુટુંબો ન્યુક્લિયર બનતા જાય છે.જો આવું ને આવું બનતું રહેશે તો ભવિષ્યમાં જે બાળકો હશે એને નહીં હોય કોઈ કાકા – કાકી,નહીં હોય કોઈ ફઈ – ફુઆ કે ભાઈ – બહેન.

ઈશ્ર્વરે આપણને આ ધરતી પરના ઉત્કૃષ્ટ જીવ તરીકે જન્મ આપ્યો. સજીવોની અન્ય જાતિઓમાં સંબંધનું જોડાણ લાંબો સમય રહેતું નથી.પશુ – પક્ષીઓને પાંખ આવે કે જાતે ખોરાક મેળવતા થઈ જાય એટલે એમના સંબંધ નષ્ટ પામતા હોય છે.પરસ્પર કોઈ ઓળખાણ રહેતી હોતી નથી.જ્યારે મનુષ્ય તરીકે ઈશ્ર્વરે આપણને વિશિષ્ટ દરજ્જો આપ્યો છે.જે જીવ પાસે ભૂખ પણ છે અને સ્વાદ પણ છે, જેને વાસ્તવનું તર્કબદ્ધ વિશ્ર્લેષણ પણ છે અને સપનાં અને કલ્પના પણ છે.તો શા માટે આપણે આમ શુષ્ક જીવવું ?

દિવસે દિવસે સંબંધો ઘસાવા લાગ્યા છે.આજે સંબંધ વચ્ચે સ્વાર્થ પ્રવેશી ગયો છે.માત્ર સ્વાર્થ માટે જ સંબંધ રાખવામાં આવે છે.

કામ વગર,કારણ વગર ફક્ત મળવાનો ઉમળકો થયો હોય,કોઈને મળવાની ઈચ્છા થાય અને મળી શકાય એવા સંબંધો કેટલા? કોઈના ઘરમાં રસોડામાં જઈ અને તાજો બનતો મોહનથાળ ચમચીથી સીધો કઢાઈમાંથી ખાઈ શકાય એવા ઘર કેટલા ? કોઈ આપણે ત્યાં આવે અને પહેરણ અને લેંઘો પહેરીને બેઠા હોઈએ અને પેન્ટ પહેરવા દોડવું ના પડે એવા મિત્રો કેટલા? કોઈની વાત ના ગમે અને ધડ દઈને શબ્દો ગોઠવ્યા વગર અસમર્થ થઈએ તેમ છતાં બીજી સવારે એની અસર ન હોય એવા સંબંધો કેટલા ?

      એવું શું થયું છે આપણા સંબંધોને ? સંખ્યા વધી, વિસ્તાર વધ્યો,વ્યાપ વધ્યો પણ અંતરનું ઊંડાણ ઘટ્યું.મોબાઈલમાં બે હજાર સંપર્કો સેવ થયેલા છે, પણ સ્ક્રોલ કરતી વેળા ડાયલ કરવાનો ઉમળકો થાય તેવા નંબર કેટલા ? ઋફભયબજ્ઞજ્ઞસ એકાઉન્ટમાં પાંચ હજાર ઋઇ ફ્રેન્ડ છે,પણ તેમાં આત્મીય ભાવે જોડાયેલા કેટલા ? આત્મીયતા ગુમ થઈ છે.દંભ - દેખાડા વગર આમને સામને થઈ શકાય એવા સંબંધો ગાયબ છે.

   આવો એક નવું બારણું ખખડાવીએ.કોઈને સહજ આવવું ગમે એવો વ્યવહાર બનાવીએ.મળીએ ત્યારે કશુંક લેવા નહીં , પણ કેવળ મળવા જઈએ,કદાચ પ્રતિસાદ ‘ના’ પણ મળે,

પણ…,
ચાલો પ્રયાસ તો કરીએ…!
એક એવું ઘર મળે આ વિશ્ર્વમાં,
જ્યાં કશા કારણ વિના જઈ શકું.
એ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહીં ને જઈ શકું.
– માધવ રામાનુજ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button