ઈન્ટરવલ

તસવીરની આરપારઃ અશ્વ શોમાં વિવિધ રમતો જોવા મળી…

ભાટી એન.

`સૌરાષ્ટ્રે પંચરત્નાનિ નદી, નારી, તુરંગમ્:
ચતુર્થ સોમનાથાશ્વ પંચમ હરિદર્શનમ્॥’
ગુજરાત કક્ષાનો 17મો કામા અશ્વ પ્રદર્શન, રમતોત્સવ વાંકાનેર ખાતે અશ્વ શોનાં ચેરમેન મહારાણા શ્રી કેસરીદેવસિંહ ઝાલા દ્વારા તા. 26/27/28/ડિસેમ્બર 2025 ત્રણ દિવસીય શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શોમાં સમગ્ર ગુજરાતમાંથી 200 જેટલા અશ્વ (ઘોડા) આવેલા, જેમાં કાઠિયાવાડી, મારવાડી, સિંધી ઘોડાઓનો કાફલો આવેલો હતો. જેમાં મુખ્ય સ્પર્ધા એન્ડ્યુરન્સ રેસ 20 કિ.મી. સુધી દોડી ગોંડલનાં અશ્વએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું. સાથે રેવાલ, ચાલ, અશ્વ શણગારમાં કાઠિયાવાડી અશ્વ સોળે શણગાર સજી ધજી આવ્યા હતા.

તેમાં મહામૂલા અશ્વ શાનદાર લાગતા હતા, ગુજરાત સરકારે આ કામા અશ્વ શોને આર્થિક સહાય કરી વિસરાય જતા ઘોડાની નસલને પુન: જીવિત કરી અને ઘોડા પ્રત્યે લગાવ રહે તેવો ભાવ વ્યક્ત કરવા ખુદ ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, પશુ પાલન કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રીવાબા જાડેજાએ અશ્વ શોને પ્રોત્સાહન આપ્યું. ઘોડા પ્રત્યે જાણકારી આપતી બુકનું વિમોચન કરવાની સાથે આ અશ્વ શો સ્વ. મહારાણા દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં યોજાયો.

દુનિયાભરમાં વિખ્યાત એવા કાઠિયાવાડી અશ્વો આપણા ગુજરાતની મહામૂલી મૂડી છે, જેણે સૌરાષ્ટ્રને દુનિયાના નકશામાં અદકેં સ્થાન અપાવ્યું છે. આ અશ્વો અતિ દુર્લભ પ્રજાતિ છે. રણસંગ્રામમાં પોતાના કૌશલથી યોદ્ધાના ખમીરને ટકાવીને લડવામાં તેમનો સાથ-સહકાર સાંપડે છે. માનવી દિનપ્રતિદિન પ્રગતિ કરતો ગયો તેમ તેમ સુવિધા વધારવા લાગ્યો. આજે યુદ્ધના મોરચે મશીનગનથી માંડી લડાયક વિમાન અને છેલ્લે અણુબોમ્બ આવી ગયા.

વર્ષો અગાઉ યુદ્ધો લડાતાં ત્યારે ઘોડાઓનો પુષ્કળ ઉપયોગ થતો. ઘોડા પરનો સવાર પોતાના ઘોડાને પોતાનો વફાદાર સાથીદાર ગણી તેની માવજત કરતો. કાળક્રમે યુદ્ધમાંથી પણ અશ્વો બહાર નીકળી ગયા અને મુસાફરીનાં સાધનો, જેવાં કે મોટર, સ્કૂટર, રેલગાડી અને વિમાનો આવી જતાં અશ્વોની તેમાંથી પણ બાદબાકી થતી ગઈ છે. આજે તો લગ્નપ્રસંગો કે અન્ય કોઈ ખાસ કાર્યક્રમમાં જ અશ્વની ઉપસ્થિતિ દેખાય છે, જેના એક કારણ પૈકી તેમને પાળવા ખૂબ જ કઠિન કાર્ય પણ છે.

અશ્વો તેનાં મૂળ કાર્યોથી દૂર થતા ગયા છે. તો બીજી તરફ, એક રજવાડી શોખ તરીકે પણ તેને વસાવતા હોય એવા અમીરો પણ વધ્યા છે. અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં તો સ્ટડ ફાર્મ પણ વિકસ્યાં છે.

ઉપરાંત હવે તો અશ્વને સાચવવા તેની સારી જાતોને વિકસાવવી જોઈએ તે વિશે અશ્વપાલકોને પૂરતી માહિતી સાંપડે, પોતાના અશ્વમાં રહેલી તાકાતનો પરચો આપવા માટે હરીફાઈ યોજાય છે, જાતવાન અશ્વને ઇનામ પુરસ્કાર આપવા વગેરે પ્રવૃત્તિ માટે શ્રી કાઠિયાવાડી અને મારવાડી અશ્વપાલક મંડળી લિમિટેડની સ્થાપના કરવામાં આવી છે અને આ મંડળી દ્વારા સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં અશ્વ શોનાં આયોજન થાય છે.

ગુજરાત સરકારે ગ્રામીણ ઓલિમ્પિક’માં અશ્વોનો સમાવેશ કર્યો છે અને તરણેતરના મેળામાં ખાસ અશ્વ શો યોજે છે અને અશ્વ હરીફાઈનું પ્રતિ વર્ષ આયોજન કરે છે. વીસરી રહેલી અશ્વ જેવી આપણી આ દુર્લભ વિરાસત વિશે એક દૃષ્ટિ કરીએ. સૌરાષ્ટ્રે પંચરત્નાનિ નદી, નારી, તુરંગમ્:

ચતુર્થ સોમનાથાશ્વ પંચમ હરિદર્શનમ્‌‍
આ શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રનાં પાંચ રત્નોમાં એક સ્થાન (તુરંગ) અશ્વે મેળવ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button