ઇન્ટરનેશનલ

ઝોહરાન મમદાનીની જીત બાદ 9 ટકા ન્યૂ યોર્કવાસીઓએ કરી હિજરતની તૈયારી, જાણો કારણ

વોશિંગટન ડીસી: ન્યૂ યોર્ક મેયરની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન ઝોહરાન મમદાનીની ઐતિહાસિક જીતથી શહેરના રાજકારણ અને અર્થતંત્રમાં મોટો ઉલટફેર સર્જાયો છે. મમદાનીએ ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોને હરાવીને 100 વર્ષમાં ન્યૂ યોર્કના સૌથી યુવા, પ્રથમ ભારતીય-અમેરિકન અને પ્રથમ મુસ્લિમ મેયર બનવાનું ગૌરવ મેળવ્યું છે. જોકે, ઝોહરાન મમદાનીની જીતથી શહેરના શ્રીમંતો અને મોટા કોર્પોરેશનો પર વધારાના કર લાદવાની તેમની નીતિને કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમણે ચૂંટણી પહેલાં શ્રીમંતો પર નવા કર લાદીને $9 બિલિયન એકત્ર કરવાનું વચન આપ્યું હતું. જેથી હવે શહેરમાંથી મોટાભાગનો વર્ગ એવો છે, જે સ્થળાંતરની તૈયારી કરી રહ્યો છે.

ઝોહરાન મમદાનીની જાહેરાતથી અબજોપતિઓમાં ભય

મમદાની ડેમોક્રેટિક પાર્ટીના ડાબેરી જૂથ (DSA) સાથે સંકળાયેલા છે અને પોતાને “લોકશાહી સમાજવાદી” ગણાવે છે, જે કોર્પોરેશનો કરતાં સામાન્ય લોકોની તરફેણ કરતી નીતિઓનું સમર્થન કરે છે. ન્યૂ યોર્ક મેયરની ચૂંટણી પહેલા ઝોહરાન મમદાનીએ શ્રીમંતો પર નવા કર લાદવાની જાહેરાત કરી હતી. જેને લઈને ન્યૂ યોર્કના અબજોપતિઓ સ્થળાંતરની યોજના બનાવી રહ્યા છે. આ અંગે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.

સર્વેના અહેવાલ મુજબ, વધેલા કરના ભયથી ન્યૂ યોર્કમાંથી મોટા પાયે સ્થળાંતર થવાની સંભાવના છે. અહેવાર અનુસાર ન્યૂ યોર્કના 9 ટકા લોકો એટલે કે 7.65 લાખ લોકો ચોક્કસપણે સ્થળાંતરની યોજના બનાવી ચૂક્યા છે. જ્યારે 25 ટકા લોકો એટલે કે 21 લાખ લોકો સ્થળાંતર અંગે ગંભીર વિચારણા કરી રહ્યા છે. સ્ટેટન આઇલેન્ડમાંથી 21 ટકા રહેવાસીઓ તાત્કાલિક શહેર છોડવા તૈયાર છે. જાતિગત આંકડા પર નજર નાખીએ તો 13 ટકા શ્વેત અને 11 ટકા એશિયન રહેવાસીઓ સ્થળાંતર કરી શકે છે.

ન્યૂ યોર્કની કુલ વસ્તી આશરે 8.4 મિલિયન છે. જો 25 ટકા લોકો શહેર છોડે છે, તો તે અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટું શહેરી સ્થળાંતર હશે. પોલસ્ટર જેમ્સ જોહ્ન્સનના મતે, આની આર્થિક અસર સમગ્ર અમેરિકામાં ભૂકંપ જેવી થશે.

અન્ય રાજ્યો તરફથી મળ્યું આમંત્રણ

મમદાનીની જીત બાદ અન્ય રાજ્યોના રિપબ્લિકન ગવર્નરોએ ન્યૂ યોર્કવાસીઓ અને વ્યવસાયોને આકર્ષવા માટે આક્રમક નિવેદનો આપ્યા છે. ટેક્સાસના ગ્રેગ એબોટે ચૂંટણી પહેલાં, ન્યૂ યોર્કના લોકો ટેક્સાસ આવશે તો તેમના પર 100 ટકા ટેરિફ લાગવાની ધમકી આપી હતી.

જોકે આવો ટેક્સ કાયદેસર નથી, આ માત્ર ડરાવવાનું નિવેદન હતું. ટેનેસીના ગવર્નર બિલ લીએ ન્યૂ યોર્કના વ્યવસાય માલિકોને ટેનેસીમાં આવવા વિનંતી કરતા કહ્યું હતું કે, “અમારો ટેક્સ ઓછો છે અને અર્થતંત્ર મજબૂત છે. સરકાર તમારા માર્ગમાં આવતી નથી.” ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસ NYPD અધિકારીઓનું સ્વાગત કરવાની જાહેરાત કરી હતી તથા નવા પોલીસ અધિકારીઓને $5,000 બોનસની ઓફર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લોરિડા, કેરોલિના અને ટેનેસી ન્યૂ યોર્કવાસીઓ માટે સૌથી વધુ માંગવાળા સ્થળો પૈકીનું એક છે.

ન્યૂ યોર્કનું મેયરપદ અમેરિકાના સૌથી પ્રભાવશાળી રાજકીય પદોમાંથી એક છે. ન્યૂ યોર્કનો વાર્ષિક GDP આશરે $2.3 ટ્રિલિયન છે, જે એકલું ભારત (ભારતના GDPના અડધાથી વધુ)ની અર્થવ્યવસ્થાના મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. ન્યૂ યોર્કના મેયર શહેરના વહીવટ, પોલીસ, પરિવહન, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય પ્રણાલીઓનું નિયંત્રણ કરે છે. શહેરનું પોતાનું બજેટ ($100 બિલિયનથી વધુ) હોય છે.

ઉલ્લેખનીય છે કે, 400 વર્ષ પહેલાં ડચ લોકોએ આ શહેરની શોધ કરી અને તેનું નામ ન્યુ એમ્સ્ટરડેમ રાખ્યું હતું, જે 1664માં અંગ્રેજોએ કબજે કરીને ન્યૂ યોર્ક રાખ્યું હતુ. જે આજ સુધી યથાવત રહ્યું છે.

આ પણ વાંચો…ઝોહરાન મમદાનીએ વિજય ભાષણમાં નહેરુને યાદ કર્યા અને ધૂમ મચાલે ગીત સાથે ઉજવણી, ટ્રમ્પને ચેલેન્જ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button