આ કારણે ઝેલેન્સકીએ ટ્રમ્પનો આભાર માન્યો! કહ્યું કોઈ પણ આક્રમકતાનો જવાબ આપવામાં આવશે

કિવ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. યુક્રેન પર યુદ્ધ રોકવા રશિયા પર દબાણ વધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. એવામાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટ્રમ્પનો આભાર માન્યો છે. ઝેલેન્સકીએ ટ્રમ્પના નિર્ણયને દૃઢ અને ટાર્ગેટેડ ગણાવ્યો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી ઝેલેન્સકીએ ટ્રમ્પના નિર્ણય વિષે લખ્યું કે આ પગલું સ્પષ્ટ સંકેત આપે છે કે યુદ્ધને લંબાવવા અને આતંક ફેલાવવાની કિંમત ચૂકવવી પડશે. આ એક કડક અને જરૂરી સંદેશ છે, આક્રમકતાનો જવાબ આપવામાં આવશે.
નોંધનીય છે કે તાજેતરમાં ટ્રમ્પે ઝેલેન્સકી પર દબાણ કર્યુ હતું કે તે પુતિને મુકેલી શરતો માની લે, એવામાં યુએસએ લીધેલું પગલું મહત્વનું છે
આપણ વાંચો: ઇઝરાયલ-હમાસ યુદ્ધ સમાપ્તિના આરે? ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો મોટો દાવો, હમાસ કરાર માટે સંમત
ટ્રમ્પે રશિયન પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા કહ્યું કે યુક્રેન પર હુમલા રોકવા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાટાઘાટો આગળ નથી વધી રહી.
યુરોપિયન યુનિયને પણ લગાવ્યા પ્રતિબંધો:
તાજેતરમાં યુરોપિયન યુનિયને પણ રશિયા પર દબાણ વધારવાનો માટે પ્રતિબંધોની જાહેરાત કરી છે. યુરોપિયન યુનિયને 2027 ની શરૂઆત સુધી એક વર્ષ સુધી રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે.
EUએ રશિયાના પેટ્રોલિયમ જહાજોના “શેડો ફ્લીટ”ના 100 થી વધુ ટેન્કરોને બ્લેકલિસ્ટ પણ કર્યા છે, અબે જેના પર જાસૂસીની શંકા હોય એવા રશિયન રાજદ્વારીઓ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.