યમનના હુમલાખોરોએ જહાજ પર કર્યો મિસાઇલ-ડ્રોન હુમલો, 25 ભારતીય યાત્રિકો હતા સવાર..
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં કૂદી પડેલા યમન દેશના હૂતી વિદ્રોહીઓ હવે દરિયાઇ માર્ગે આંતરરાષ્ટ્રીય જહાજોને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વખતે 25 ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતું એક જહાજ પણ હૂતીઓના નિશાને આવતા ભારતીય જહાજોની સુરક્ષા સામે એક મોટું જોખમ ઉભું થયું છે. હૂતી વિદ્રોહીઓએ ડ્રોન તથા મિસાઇલ વડે જહાજ પર હુમલો કર્યો હતો.
US સેન્ટ્રલ કમાન્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે દક્ષિણ લાલ સમુદ્રમાં તેલ વાહક જહાજ MV સાંઈબાબા પર એન્ટી શીપ બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અમેરિકાએ કહ્યું હતું કે હૂતી કંટ્રોલ ધરાવતા યમન તરફથી આ મિસાઇલ છોડવામાં આવી હતી. આ જહાજ મધ્ય આફ્રિકન દેશ ગેબોનની એક કંપનીનું હતું, તેમજ જહાજ પર ગેબોન દેશનો ધ્વજ લગાવેલો હતો. જહાજમાં કાચું તેલ લઇ જવાઇ રહ્યું હતું. આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી.
લાલ સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલા અંગે ભારતીય નૌસેનાએ પોતાનું નિવેદન જારી કર્યું છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ હુમલાની વાત તો સ્વીકારી હતી પરંતુ જહાજ પર ભારતીય ધ્વજ હોવાની વાતને નકારી કાઢી હતી. આ હુમલો યમનના સલીફ બંદરથી લગભગ 45 નોટિકલ માઈલ દક્ષિણ-પશ્ચિમમાં બાબ અલ-મંડબ સ્ટ્રેટની નજીક થયો હતો.
અમેરિકાની સેનાએ કહ્યું હતું કે તેમને હુમલાની માહિતી મળતાંની સાથે જ તેમણે તેનું USS લબૂન યુદ્ધ જહાજ ઘટનાસ્થળે મોકલ્યું. આ સમયગાળા દરમિયાન હૂતીઓએ નોર્વેના ઓઈલ જહાજ પર પણ હુમલો કર્યો હતો. જોકે, તે પોતાનું લક્ષ્ય ચૂકી ગયા હતા. અમેરિકી સૈન્ય અનુસાર, હૂતી વિદ્રોહીઓએ છેલ્લા 70 દિવસમાં 15 જહાજો પર હુમલો કર્યો છે. આ પહેલા પણ શનિવારે જહાજ પર હુમલાની ઘટના બની હતી.
હુતી બળવાખોરોનું કહેવું છે કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝામાં તેના હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ ઇઝરાયલ અથવા તેના સહયોગી જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. શનિવારે ભારત આવી રહેલું જહાજ પણ ઈઝરાયલનું હોવાનું અગાઉ જાણવા મળ્યું હતું.