ગંદા હૈ પર ધંધા હૈ યેઃ મસ્કનું AI ફીચર ‘સ્પાઈસી મોડ’ બનશે સેક્સટોર્શનનું નવું હથિયાર? | મુંબઈ સમાચાર

ગંદા હૈ પર ધંધા હૈ યેઃ મસ્કનું AI ફીચર ‘સ્પાઈસી મોડ’ બનશે સેક્સટોર્શનનું નવું હથિયાર?

ઈલોન મસ્કની એઆઈ કંપની એક્સ-AI (X)ના ગ્રોક ચેટબોટના નવા “સ્પાઈસી મોડ” ફીચરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ફીચર એડલ્ટ કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાની સાથે સેક્સટોર્શન જેવા ગુનાઓમાં વધારો કરી શકે છે. આ ફીચર માત્ર એક ફોટોના આધારે અશ્લીલ કન્ટેન્ટ બનાવી શકે છે, જેના કારણે તમારી પ્રાયવસીનો ભંગ તેમ જ કાયદાકીય મુદ્દાઓ ઉભા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં આ ફીચરના ગેરકાયદે ઉપયોગ પર કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, પરંતુ મસ્કના એક્સ પરના ગ્રોકનું નવું ફીચર સેક્સટોર્શનનું સાધન બની શકે છે. જાણીએ શું આ નવી બલા.

એક્સ-AIના ગ્રોક એઆઈના “સ્પાઈસી મોડ” ફીચરને ગ્રોક ઈમેજિન ટૂલના ભાગરૂપે રજૂ કરવામાં આવ્યું છે, જે ટેક્સ્ટ પ્રોમ્પ્ટના આધારે 15 સેકન્ડના વિડિયો અને અશ્લીલ છબીઓ બનાવી શકે છે. આ ફીચર iOS એપ પર SuperGrok અને X Premium+ સબસ્ક્રિપ્શનવાળા યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેની કિંમત ભારતમાં રૂ. 700 પ્રતિ મહિના છે. આ ફીચરની જાહેરાત બાદ લોકોમાં ચિંતા વ્યાપી છે, કારણ કે તેનો દુરુપયોગ ડીપફેક અને અશ્લીલ કન્ટેન્ટ બનાવવા માટે થઈ શકે છે.

ડીપફેકનો ખતરો

સ્પાઈસી મોડની મદદથી યુઝર્સ કોઈપણ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને અશ્લીલ વિડિયો અથવા છબીઓ બનાવી શકે છે, જે ડીપફેકની સમસ્યાને વધારે છે. આ અગાઉ ગત વર્ષે રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો, અને આ ફીચર આવી ઘટનાઓને વધુ વેગ આપી શકવાની સંભાવના સેવાઈ રહી છે.

ભારતમાં સ્પાઈસી મોડ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ઉપયોગ કડક શરતો સાથે થવો જોઈએ. કોઈ વ્યક્તિની સંમતિ વિના તેનો ફોટો એડલ્ટ કન્ટેન્ટમાં બદલવો ગેરકાયદે છે અને તેના માટે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ ઉઠી છે.

X-AIએ સ્પાઈસી મોડમાં કેટલાક મોડરેશન લગાવ્યા છે, જેમ કે જાહેર વ્યક્તિઓ (સેલિબ્રિટી)ના અશ્લીલ કન્ટેન્ટ બનાવવા પર પ્રતિબંધ. જોકે, સામાન્ય વ્યક્તિઓના ફોટોનો દુરુપયોગ થઈ શકે છે, જે ગોપનીયતાનું ઉલ્લંઘન છે. ભારતમાં આવા ગુનાઓ માટે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 354C અને 509, તેમજ માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act), 2000ની કલમ 66E, 67, અને 67A હેઠળ કેસ દાખલ થઈ શકે છે. એક્સAIએ જણાવ્યું છે કે આ ફીચરનો દુરુપયોગ કાનૂની કાર્યવાહીને આમંત્રણ આપી શકે છે.

X-AIએ ગોપનીયતા સુરક્ષિત રાખવા માટે ફેસ રેકગ્નિશન અને ઓળખ ચકાસણી ટૂલ્સનો ઉપયોગ કર્યો છે, જેથી જાહેર વ્યક્તિઓના ફોટોનો દુરુપયોગ ન થાય. યુઝર્સ અયોગ્ય કન્ટેન્ટની ફરિયાદ પણ કરી શકે છે, જેના માટે xAIએ એક ટીમ તૈયાર કરી છે. જોકે, વૈશ્વિક સ્તરે કામ કરતી xAI માટે દરેક દેશના અલગ-અલગ કાયદાઓને અનુરૂપ નીતિઓ લાગુ કરવી પડકારજનક છે. ભારતમાં સ્થાનિક સત્તામંડળોની ફરિયાદ પર X કાર્યવાહી કરે છે, પરંતુ આ ફીચરનો દુરુપયોગ ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે.

આ પણ વાંચો…ભારતમાં એલન મસ્કની સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા હશે બહુ મોંઘી પણ સ્પીડ પણ હશે જોરદાર………

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button