શું ટ્રમ્પની ટેરિફનીતિ અમેરિકા પર જ ભારે પડશે? રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા

વોશિંગ્ટન: અમેરિકામાં જ્યારથી રાષ્ટ્ર પ્રમુખ પદ પર ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે અવાર નવાર વિવાદોમાં ઘેરાયેલા રહે છે. આમ તો તેમના દરેક નિર્ણય વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બની રહેતા હોય છે. આ નિર્ણયોમાં સૌથી વધુ ચર્ચામાં રહેનાર નિર્ણય છે ટ્રમ્પની ટેરિફનીતિ. પરંતુ હવે ટ્રમ્પની ટેરિફ નીતિ તેમના પર જ ઊધી પડતી જોવા મળી રહી છે. તાજેતરમાં થયેલા એક વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકી કંપનીઓને આ નિર્ણયથી 82.3 અબજ ડોલરનું નુકસાન પહોંચાડી શકે છે. આ રિપોર્ટે ટ્રમ્પના દાવાને પડકાર્યો છે કે વિદેશી ઉત્પાદકો ટેરીફનો બોજ ઉઠાવશે. આ નિર્ણયથી અમેરિકાના રિટેલ અને હોલસેલ ક્ષેત્રો પર ખાસ અસર થશે, જેના કારણે ભાવ વધારો અથવા છટણી જેવા પગલા લેવાઈ શકે છે.
એક અહેવાલ પ્રમાણે, 1 કરોડથી 1 અબજ ડોલરની વાર્ષિક આવક ધરાવતી અમેરિકી કંપનીઓ પર ટેરિફની સીધી અસર પડશે. આ કંપનીઓ અમેરિકાના ખાનગી ક્ષેત્રના એક તૃતીયાંશ કર્મચારીઓને રોજગારી આપે છે. આ કંપનીઓ ચીન, ભારત અને થાઇલેન્ડ જેવા દેશોમાંથી આયાત પર નિર્ભર છે. ટેરિફના કારણે આ કંપનીઓને ભાવ વધારવા, છટણી કરવી કે નફો ઘટાડવા જેવા આકરા પગલા લેવાની ફરજ પડશે, જે અમેરિકી ઉપભોક્તાઓ અને કર્મચારીઓને અસર કરશે.
ટેરિફની અમલવારી
ટ્રમ્પના કાર્યકાળમાં લાગુ થયેલ ટેરિફથી હજુ સુધી મોંઘવારીમાં નોંધપાત્ર વધારો થયો નથી, કારણ કે એમેઝોન અને વોલમાર્ટ જેવી મોટી કંપનીઓએ ટેરિફ લાગુ થાય તે પહેલાં મોટો સ્ટોક ભેગો કરી લીધો હતો. જોકે, 9 જુલાઈથી ભારત સહિત અન્ય દેશો પર લાગુ થનારા નવા ટેરિફથી અમેરિકી નોકરિયાતોને નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે, જે દરેક કર્મચારી દીઠ સરેરાશ 2,080 ડોલર અથવા વાર્ષિક વેતનના 3.1 ટકા જેટલું હશે.
આ ટેરિફથી કેટલાક સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થઈ શકે છે, કારણ કે તેઓ આયાતના વિકલ્પ તરીકે મજબૂત થઈ શકે છે. જોકે, રિટેલ અને હોલસેલ વેપારીઓને ટેક્સની કિંમત ગ્રાહકો પર નાખવી પડી શકે છે, જેનાથી ભાવવધારો થઈ શકે છે. આ વિશ્લેષણ ટ્રમ્પના દાવાને નકારે છે કે ટેક્સનો બોજ વિદેશી ઉત્પાદકો ઉઠાવશે, અને તેના બદલે અમેરિકી કંપનીઓ અને ઉપભોક્તાઓને અસર થશે.
આ પણ વાંચો…કમ્યુનિસ્ટ પાગલ, હું ન્યૂ યોર્કને તબાહ થવા દઈશ નહીંઃ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ