ટ્રમ્પ 90 દિવસ માટે ટેરિફમાંથી રહાત આપશે? અટકળો અંગે ખુદ ટ્રમ્પે કરી સ્પષ્ટતા…

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) દુનિયાના મોટાભાગના દેશો પર ટેરિફ લાગુ કરતા વિશ્વભરના શેર બજારોમાં મોટો ઘટાડો (USA imposed tariff) નોંધાઈ રહ્યો છે, અમેરિકાના શેર બજારમાં પણ મોટું ધોવાણ થઇ રહ્યું છે. જેને કારણે અમેરિકામાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે, અમેરિકાના ઘણા શહેરોમાં ટ્રમ્પ-મસ્ક વિરુદ્ધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. એવામાં એવા અહેવાલો વહેતા થયા હતાં કે ટ્રમ્પે ટેરીફ પર રોક લાગવવા વિચાર કરી રહ્યા છે. જોકે ટ્રમ્પે ટેરીફ પર રોક લાગવવા અંગેની અટકળોને ફગાવી દીધી હતી.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે બેઠક બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે ટેરિફ પર રોક લગાવવાની શક્યતાને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.
ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે, ‘અમે ટેરિફ પર રોક લગાવવાનો કોઈ વિચારી કરી રહ્યા નથી. ઘણા દેશો અમારી સાથે સોદા કરવા જઈ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તેઓ ભારે ટેરિફ ચૂકવવાના છે, તે વાજબી સોદા હશે.’
આ પણ વાંચો: ટેરિફ લાગુ થતા 50 થી વધુ દેશો વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા માટે તૈયાર! મંદી અંગે ટ્રમ્પે કહી આ વાત…
વ્હાઇટ હાઉસની સ્પષ્ટતા:
યુએસ શેરબજારમાં સોમવારે (સ્થાનિક સમય મુજબ) મોટો ઘટાડો થયો હતો, પરંતુ વ્હાઇટ હાઉસના સલાહકાર કેવિન હેસેટના નિવેદન પછી થોડો સુધારો થયો હતો. તેમણે એક ન્યુઝ ચેનલને જણાવ્યું હતું કે ટ્રમ્પ 90 દિવસ માટે બધા દેશો (ચીન સિવાય) પરના ટેરિફ પર રોક લગાવવાનું વિચારી રહ્યા છે. પરંતુ બાદમાં વ્હાઇટ હાઉસે આ નિવેદનને ‘ફેક ન્યૂઝ’ ગણાવ્યું હતું, જેના કારણે શેરબજાર ફરી ઘટડો નોંધાયો હતો.
વૈશ્વિક મંદીની આશંકા:
સોમવારે એશિયા અને યુરોપના શેરબજારોમાં મોટું ધોવાણ થયું હતું અને ઓઈલના ભાવ પણ ઘટ્યા હતાં. રોકાણકારોને ડર છે કે ટ્રમ્પ જે ટેરીફને “દવા” કહી રહ્યા છે, તે વસ્તુઓને વધુ મોંઘી બનાવી શકે છે, માંગ ઘટાડી શકે છે, જેને કારણે કદાચ સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી શરુ થઇ શકે છે. આ ઉપરાંત, સમગ્ર વિશ્વમાં ટ્રેડ વોર પણ શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો: અમેરિકામાં બંદરોએ સર્જાયેલું ટ્રાફિકજામ ઉત્પાદનોની અછત અને ફુગાવામાં વૃદ્ધિ કરાવશે…
ગોલ્ડમેન સૅક્સે કહ્યું છે કે આગામી 12 મહિનામાં અમેરિકામાં મંદીની સંભાવના હવે 45% સુધી વધી ગઈ છે. જેપી મોર્ગનના અર્થશાસ્ત્રીઓ માને છે કે આ ટેરિફથી યુએસ અર્થતંત્રમાં 0.3% ઘટાડો થઈ શકે છે.