ટેરિફ મામલે મસ્ક અને ટ્રમ્પ આમનેસામને આવી જશે? મસ્કે ટ્રમ્પને કરી આવી અપીલ…

વોશિંગ્ટન ડીસી: યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરિફ પોલિસી લાગુ કર્યા બાદ વૈશ્વિક વેપારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે દુનિયાભરના શેર માર્કેટમાં મોટું ધોવાણ થયું હતું. અમેરિકાના શેર માર્કેટ્સ પણ તૂટ્યા હતાં. તાજેતરમાં અમેરિકાના વિવિધ શહેરોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી પ્રદર્શનો પણ થયા હતાં. ચીને અમેરિકા પર ટેરીફ વધરવાને 50 કરવાની ધમકી આપી છે, યુરોપિયન યુનિયનના દેશોએ પણ યુએસ પર ટેરીફ લાદવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. એવામાં હવે ઈલોન મસ્કે પોતે નવી ટેરિફ પોલિસી પાછી ખેંચવા ટ્રમ્પને અપીલ (Elon Musk Appeal to trump) કરી છે.
યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલ મુજબ, મસ્કે નવી ટેરિફ પોલિસી પાછી ખેંચવા માટે રાષ્ટ્રપતિને સીધી અપીલ કરી છે. જોકે, આ પ્રયાસમાં તેને હજુ કોઈ સફળતા મળી ન હતી.
મસ્કને નુકશાન:
નોંધનીય છે કે મસ્કે શરૂઆતમાં ટ્રમ્પની નવી ટેરિફ પોલિસીને સમર્થન આપ્યું હતું, પરંતુ હવે મસ્કને ટેરીફની આડઅસરો દેખાવા લાગી છે. ટેરીફને કારણે મસ્કના બિઝનેસ પાર્ટનર્સને ઘણી સમસ્યાઓ પડી રહી છે. ટેરીફ પોલીસીને કારણે દુનિયાભરના શેરબજારોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. સૌથી વધુ વ્યાપક અસર અમેરિકન શેરબજાર પર જોવા મળી છે. ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો થયો હતો.
આ પણ વાંચો: ટેરિફને કારણે સુરતના હીરા ઉદ્યોગની ચિંતા વધી, વડાપ્રધાન મોદીને પત્ર લખી માંગી મદદ
બિઝનેસ લીડર્સ નારાજ:
ઘણા લોકોએ ઉપ રાષ્ટ્રપતિ જેડી વાન્સને અપીલ કરી છે કે તેઓ તેમનો મેસેજ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે. અખબારના અહેવાલ મુજબ, વિશ્વના કેટલાક અગ્રણી બિઝનેસ લીડર્સે એક અનૌપચારિક ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ ગઠબંધન ટ્રમ્પ વહીવટીતંત્રને ઉદાર વેપાર નીતિ લાગુ કરવા અપીલ કરશે.
નોંધનીય છે કે અન્ય દેશોમાં યુએસની પ્રોડક્ટ્સ પર ટેરીફને કારને મસ્કના બિઝનેસને અસર થઇ શકે છે. અગાઉ પણ વેપાર મુદ્દે ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ સામસામે આવ્યા હતાં. વર્ષ 2020 માં જ્યારે મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ટેરિફને પડકારવા માટે દાવો દાખલ કર્યો ત્યારે બંને વચ્ચે તણાવ પણ હતો.