પુતિને પીએમ મોદીને આપ્યું આમંત્રણ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતની કાર્યવાહી અંગે કહી આ મોટી વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. ત્યારે ક્રેમલિન ખાતે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની બેઠક દરમિયાન આપવામાં આવેલ આ આમંત્રણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરે છે. તે વખતે પુતિને એમ પણ કહ્યું કે પીએમ મોદી “શાંતિપૂર્ણ માધ્યમો” દ્વારા રશિયા-યુક્રેન મુદ્દાને સંબોધવા માટે “તેમના શ્રેષ્ઠ પ્રયાસ કરવા” તૈયાર છે.
પુતિને જયશંકરને કહ્યું હતું કે અમે અમારા મિત્ર વડા પ્રધાન મોદીને રશિયામાં જોઈને ખુશ થઈશું. વિદેશ પ્રદાન જયશંકર હાલમાં રશિયાની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે, તેઓ અગાઉ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવને મળ્યા હતા. લવરોવ સાથેની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જયશંકરે જણાવ્યું હતું કે અમને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટમાં મળશે.
પુતિને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે “અમે વડા પ્રધાન મોદીના વલણને જાણીએ છીએ અને અમે અનેક પ્રસંગોએ તેનો વારંવાર ઉલ્લેખ પણ કર્યો છે. યુક્રેન જેવા જટિલ મુદ્દાઓ પર તેમનું વલણ એકદમ નિષ્પક્ષ અને તેમની નિર્ણય શક્તિ સારી રહી છે.” રશિયન પ્રમુખે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે યુક્રેન વિશે વડા પ્રધાન મોદીએ ઘણી વખત સલાહ પણ આપી છે અને એટલે જ અમે આ મુદ્દે હવે વધુ ચર્ચા કરવામાં આવશે. રશિયા અને ભારત વચ્ચેના વધતા સંબંધો બદલ રશિયન રાષ્ટ્રપતિએ પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અત્યાર સુધીમાં ભારત અને રશિયા વચ્ચે એકાંતરે 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. પુતિને એમ પણ કહ્યું કે રશિયા અને ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોમાં ત્યારે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિકાસ દર વધુ છે.