શું ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા સામે સૈનિકો તૈનાત કરશે ચીન?
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી આખું વિશ્વ બે છાવણીમાં વહેંચાઇ ગયું છે. એક તરફ, અમેરિકાએ ઇઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે અને મધ્ય પૂર્વમાં વિવિધ સ્થળોએ ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) બેટરીની સાથે વધારાની પેટ્રિયોટ બટાલિયનની તૈનાતી કરી છે, તો બીજી તરફ ચીને પણ તેના 6 યુદ્ધ જહાજોને મધ્ય પૂર્વમાં મોકલી આપ્યા છે. એવું માનવામાં આવે છે કે ચીને હમાસને સમર્થન આપવાને બહાને અમેરિકા સામે પોતાની સેના ઉતારવાનો નિર્ણય લીધો છે.
અમેરિકા ઈઝરાયેલને સતત સૈન્ય મદદ કરી રહ્યું છે. જ્યારે ગાઝામાં હોસ્પિટલ હુમલા પછી ચીને ખુલ્લેઆમ ઇઝરાયેલ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ચીન કઈ ટીમ સામે બેટિંગ કરવા ઉતરી રહ્યું છે. આ ઉપરાંત, તાજેતરમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ (ડીઓડી) એ પણ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના સંબંધિત સૈન્ય અને સુરક્ષા વિકાસ પર કોંગ્રેસને પોતાનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ચીનની ભારે ટીકા કરવામાં આવી હતી. જેને કારણે ચીન અને અમેરિકા વચ્ચે તણાવ વધી ગયો હતો.
તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનની મુલાકાતે ગયા હતા. અહેવાલ છે કે રશિયન રાષ્ટ્રપતિએ તેમના ચીની સમકક્ષ સાથે લગભગ 3 કલાક સુધી વાત કરી હતી. આવી સ્થિતિમાં, આ બેઠકને લઈને એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે બંને દેશ હવે ખુલ્લેઆમ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર સ્ટેન્ડ લઈ શકે છે. અગાઉ પણ જ્યારે ચીનના વિદેશ મંત્રાલયે ઉઝરાયલ-હમાસ યુદ્ધ અંગે નિવેદન બહાર પાડ્યું હતું, ત્યારે તેણે નિર્દોષ ઇઝરાયલીઓના મોત પર કોઇ ટિપ્પણી કરી ન હતી. દરેક નિવેદનમાં તેમણે ગાઝા અને પેલેસ્ટાઈનના લોકો વિશે જ વાત કરી હતી. તે જ સમયે, રશિયાએ આ યુદ્ધમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ તે અનુમાન લગાવવું સરળ છે કે તે આ યુદ્ધમાં અમેરિકા સામે જ ઉભું રહેશે.