Elon Musk ભારત પ્રવાસ રદ કર્યો, જાણો કારણ…
ટેસ્લાના CEO એલોન મસ્કનો ભારત પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ હવે ભારત નથી આવી રહ્યા. સ્પેસએક્સના સ્થાપક અને સીઈઓ તેમની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના હતા. પોતાની ભારત મુલાકાત રદ કરવા અને નવી મુલાકાત વિશે માહિતી આપતા એલોન મસ્કે તેમના X પરના હેન્ડલ પરથી આ વિશે પોસ્ટ કરતા કહ્યું હતું કે, “એ દુર્ભાગ્યપૂર્ણ છે કે ટેસ્લા પ્રત્યેની મારી જવાબદારીને કારણે મારે ભારતની મુલાકાત મુલતવી રાખવી પડી છે. પરંતુ હું આ વર્ષે જ ભારતની મુલાકાત લેવાની તકની રાહ જોઈ રહ્યો છું.”
ગયા અઠવાડિયે, એલોન મસ્કે સોશિયલ મીડિયા X પર ભારતમાં PM મોદી સાથેની તેમની મુલાકાતની પુષ્ટિ કરી હતી. “ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત માટે ઉત્સુક છું,” એમ તેમણે X પર લખ્યું હતું. એલોન મસ્ક ભારતમાં ફેક્ટરી બનાવવા માટે 2-3 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરે તેવી અપેક્ષા હતી.
એલોન મસ્ક ગયા વર્ષે જૂનમાં અમેરિકાની મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા . ટેસ્લાના વડાએ પીએમ મોદી, 2024માં ભારતની મુલાકાત લેવાની તેમની યોજના અને ભારતીય બજારમાં પ્રવેશવાની ટેસ્લાની યોજના અને બહુ અપેક્ષિત ફેક્ટરી સ્થાપવાની ચર્ચા કરી હતી. એમ માનવામા ંઆવતું હતું કે એલોન મસ્કની ભારત મુલાકાત દરમિયાન તેમના અન્ય મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ – સ્ટારલિંક વિશે પણ ચર્ચા કરવામાં આવશે. સ્ટારલિંકને કેન્દ્ર સરકાર તરફથી ખાતરી મળી છે કે તે આ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં કામકાજ શરૂ કરી શકશે.
નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ભારતમાં સ્ટારલિંકની કામગીરી ભારત અને યુએસ વચ્ચેની સુરક્ષા ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. ફેબ્રુઆરીમાં, ભારતે અવકાશ ક્ષેત્ર માટે સીધા વિદેશી રોકાણના નિયમો હળવા કરીને વિદેશી કંપનીઓને સેટેલાઇટ અને રોકેટના ઉત્પાદકોમાં રોકાણ કરવાની મંજૂરી આપી હતી.