“India Out” અભિયાન ચલાવી રહેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ આનો જવાબ આપશે?
માલદિવ્સના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી હતી તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે, જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.
ટાઇમ્સ એલ્જિબ્રા નામના ટ્વિટર હેન્ડલ પરથી આ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આજથી લગભગ પાંચેક મહિના પહેલા યુ.એસ.એ દ્વારા આતંકવાદી જૂથો – ISIS અને અલ-કાયદા માટે સહાનુભૂતિ ધરાવતા લોકો પર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેમાં માલદીવની કેટલીક વ્યક્તિઓ અને કંપનીઓનો સમાવેશ થતો હતો. અમેરિકાએ માલદીવમાં ISIS અને અલ-કાયદા આતંકવાદી જૂથોની કામગીરીને નાણાકીય સહાય પૂરી પાડવા બદલ 20 વ્યક્તિઓ અને 29 કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા હતા. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના રીડઆઉટ મુજબ, આમાંથી 18 વ્યક્તિઓ ISIS અને ISIS-Kના સુત્રધાર હતા જ્યારે બે અલ-કાયદાના ઓપરેટિવ હતા. લોકોનું કહેવું છે કે ભારત સામે આંગળી ચિંધતા પહેલા અને ભારતને માલદિવ્સમાંથી પોતાની સેના હટાવવાના નિર્દેશ આપ્યા હતા. માલદિવ્સે પોતાની અંદર ઝાંકવું જોઇએ, કે તેમના દેશના લોકો કેવા કાળા કામો કરે છે.
ઉલ્લેખનીય છે કે માલદિવ્સમાં ચીન સમર્થિત સરકાર આવ્યા બાદ ભારત અને માલદિવ્સના સંબંધોમાં તણાવ વધી ગયો છે. માલદિવ્સની આ નવનિર્વાચિત સરકાર ચીનની સમર્થક છે. રાષ્ટ્રપતિ મોઇઝુ તો ઠીક છએ, પણ તેમના પક્ષના નેતાઓ પણ ભારત વિરુદ્ધ, ભારતના પીએમ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા કરે છે.