ચીન દલાઈ લામાથી કેમ નારાજ છે? ઉત્તરાધિકારી પર કેમ ટકેલી છે વિશ્વની નજર?

લ્હાસાઃ તિબેટના 14માં દલાઈ લામા તેનઝિન ગ્યાત્સો બૌદ્ધ ધર્મના આધ્યાત્મિક નેતા છે. તેઓ તિબેટની સ્વાયત્તતા અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે. ચીન અને દલાઈ લામા વચ્ચેનો વિવાદ ઐતિહાસિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓથી જોડાયેલો છે, જે તિબેટની આઝાદી, ચીનની નીતિઓ અને દલાઈ લામાની વૈશ્વિક છબિને લઈને ઊભો થયો છે.
1950માં ચીનના માઓ ઝેડોંગે તિબેટ પર સૈન્ય કબજો કર્યો અને 1951માં તેને ચીનનો ભાગ જાહેર કર્યો હતો. તિબેટ પોતાને સ્વતંત્ર માને છે, જ્યારે ચીન તેને પોતાનો હિસ્સો ગણે છે. દલાઈ લામા 1980ના દાયકાથી “મધ્યમ માર્ગ”ની નીતિ અપનાવે છે, જે ચીનની અંદર તિબેટને વધુ સ્વાયત્તતા આપે.
ચીન આને વિભાજનવાદ ગણે છે અને દલાઈ લામાને “અલગાવવાદી” કહે છે. ઉલ્લેખનીય છે કે દલાઈ લામાને 1989માં નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. આ નોબેલ પુરસ્કાર અને વિશ્વ નેતા સાથેની મુલાકાતો ચીનને ખટકે છે.
આ પણ વાંચો: ચીનને પરેશાન કરનારા દલાઈ લામાના 90મા જન્દિવસે થશે ઉત્તરાધિકારીની જાહેરાત?
ચીનની નીતિઓ
તિબેટમાં ચીન કડક નીતિઓ અમલમાં મૂકવા માગે છે. આ ઉપરાંત બૌદ્ધ મઠ પર આધિપત્ય જમાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, જ્યારે તિબેટ ભાષા અને સંસ્કૃતિનું દમન અને ચીનનો તિબેટમાં વસાવવાનો સમાવેશ થાય છે. ચીનની આ નીતિઓની દલાઈ લામા ટીકા કરે છે, જેને ચીન “ચીન વિરોધી” પ્રચાર માને છે. માનવાધિકાર ઉલ્લંઘનના આરોપો, જેવા કે ધાર્મિક સ્વતંત્રતા પર પ્રતિબંધ અને વિરોધીઓનું દમન, વિવાદને વધારે છે.
ઉત્તરાધિકારનો સવાલ
દલાઈ લામા આગામી 6 જુલાઈના 90 વર્ષના થશે. નેવુમાં જન્મ દિવસ પર દલાઈ લામાના ઉત્તરાધિકારનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તિબેટ પરંપરા મુજબ દલાઈ લામાનો પુનર્જન્મ થાય છે, પરંતુ ચીન આગામી દલાઈ લામાને નિયંત્રિત કરવા માગે છે. દલાઈ લામાએ કહ્યું કે તેમનો ઉત્તરાધિકારી તિબેટ પરંપરા અનુસાર ભારત કે અન્ય સ્વતંત્ર દેશમાં ચૂંટાશે, જે ચીન માટે પડકાર છે.
ભારતનું વલણ
ભારતે 1959માં દલાઈ લામાને ધર્મશાળામાં આશ્રય આપ્યો અને તેમની નિર્વાસિત સરકારને સ્થાન આપ્યું. ભારત તેમને ધાર્મિક નેતા માને છે, જે ભારત-ચીન સંબંધોમાં તણાવનું કારણ છે. આ વિવાદ ચીનની એકદળી શાસન વ્યવસ્થા અને દલાઈ લામાની સ્વાયત્તતાની માગણીઓ વચ્ચે ચાલે છે.