અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સને NASA પરત કેમ લાવી શકતું નથી?
ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર અવકાશમાં અટવાયા છે. તેઓ આઠ દિવસ અવકાશમાં વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા, પરંતુ ૬ મહિના વીતી ગયા છે અને બંને અવકાશયાત્રીઓ હજુ પણ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર છે. એવું નથી કે નાસાએ તેમને પાછા લાવવાનો પ્રયાસ કર્યો નહોતો, પરંતુ દરેક વખતે કોઈને કોઈ સમસ્યાને કારણે તેમનું પરત ફરવાનું ટાળવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સને પૃથ્વી પર પરત ફરવા વધુ રાહ જોવી પડશે, સ્વાસ્થ્ય વિષે ચિંતા
આખરે, નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પાછા લાવવા માટે ફેબ્રુઆરી ૨૦૨૫ માટે એક મિશનનું આયોજન કર્યું હતું. જોકે હવે આ મિશન પણ એક મહિના માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. નાસા દ્વારા આપવામાં આવેલા અપડેટ મુજબ તે બંને માર્ચ ૨૦૨૫ પહેલા પરત ફરી શકશે નહીં. શું સુનિતા વિલિયમ્સ ખરેખર અવકાશમાં અટવાયેલા છે? શા માટે નાસા તેમને પાછા લાવવા સક્ષમ નથી?
આ પણ વાંચો: સ્પેસમાં ફસાયેલા 4 અવકાશયાત્રીઓ પરત ફર્યા, જાણો સુનિતા વિલિયમ્સ ક્યારે આવશે?
સુનિતા વિલિયમ્સ ક્યારે પહોંચ્યા હતા અંતરિક્ષમાં?
સુનીતા વિલિયમ્સ અને તેના સહ-યાત્રી બૂચ વિલ્મોર બંને અવકાશયાત્રીઓ ૫ જૂને બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં બેસીને અવકાશમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસેસ) ગયા હતા અને ૬ જૂને સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા. બંને અવકાશયાત્રીઓ ૮ દિવસમાં પાછા ફરવાના હતા. તે વખતે સ્ટારલાઈનરમાં ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, ત્યારબાદ સ્ટારલાઈનર ૬ સપ્ટેમ્બરના રોજ ક્રૂ વગર પૃથ્વી સફળતાપૂર્વક પરત ફર્યું હતું. આ સંબંધમાં નાસાએ કહ્યું હતું કે સ્ટારલાઇનર સાથે બંને મુસાફરોને પરત લાવવું ઘણું જોખમી હતું.
બોઇંગના સ્ટારલાઇનર પૃથ્વી પર પાછા ફર્યા બાદ નાસાએ સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરના પરત ફરવા માટે આગળનું મિશન તૈયાર કર્યું. આ અંતર્ગત ૨૪ સપ્ટેમ્બરે સ્પેસએક્સ ક્રૂ-૯ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન હેઠળ નાસાએ ચારને બદલે માત્ર બે અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલ્યા હતા. અવકાશયાનમાં બે સીટો ખાલી રાખવામાં આવી હતી જેથી કરીને વિલિયમ્સ અને વિલ્મોર ફેબ્રુઆરીમાં રીટર્ન ફ્લાઇટ દરમિયાન પૃથ્વી પર પાછા ફરી શકે.
હવે મિશન કેમ મોકૂફ રાખવામાં આવ્યું?
હવે નાસાએ કહ્યું છે કે ક્રૂ-૯ની જગ્યાએ ક્રૂ-૧૦, જે અવકાશમાં મોકલવાનું હતું, તે માર્ચ ૨૦૨૫ પહેલા લોન્ચ કરવામાં આવશે નહીં. નાસાએ કહ્યું છે કે ફસાયેલા અવકાશયાત્રીઓને પાછા લાવી શકાય તે પહેલાં ક્રૂનો પ્રથમ સેટ મોકલવાની જરૂર છે, તેથી આગામી મિશન એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, નાસા દર ૬ મહિને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓનું જૂથ મોકલે છે. આ અંતર્ગત ક્રૂ-૧૦ સ્પેસ સ્ટેશનમાં ક્રૂ-૯નું સ્થાન લેશે.