Pakistan Election: ‘PTI’એ પીએમપદના ઉમેદવારની કરી જાહેરાત, જાણો કોણ છે?
નવી દિલ્હી: 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનમાં હજુ પણ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની (Former PM Imran Kha) પાર્ટીએ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, PTIએ ઓમર અયુબને (omar ayub khan) પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા છે. પીએમએલ-એન પાર્ટીએ શાહબાઝ શરીફને વડાપ્રધાન પદ માટે નામાંકિત કર્યા છે. ત્યારે, બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) એ સરકારની રચના માટે PML-N ને બાહ્ય સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ નવાઝ શરીફે તેમની પુત્રી મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.
ઓમર હાલમાં PTIના જનરલ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા છે. પીટીઆઈ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવારના નામની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે નવાઝ શરીફની PML-N અને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
કોણ છે ઉમર અયુબ? (who is Pakistan PM Candidate omar ayub khan) ઓમર અયુબનો જન્મ 26 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. તેઓ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફિલ્ડ માર્શલ અયુબ ખાનના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. 2002ની સામાન્ય ચૂંટણી પહેલા, ઓમર અયુબ તેમના પિતા ગૌહર અયુબ ખાન સાથે પાકિસ્તાન મુસ્લિમ લીગ (Q)માં જોડાયા હતા.
તેમના પિતા પણ નેશનલ એસેમ્બલીના સભ્ય હતા અને અનેક પદો પર સેવા આપી હતી. ઓમર 2002ની સામાન્ય ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા. બાદમાં તેમણે શૌકત અઝીઝ કેબિનેટમાં નાણા રાજ્ય મંત્રી તરીકે પણ સેવા આપી હતી. પરંતુ 2018માં ઉમર ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીમાં જોડાયા હતા.તેમણે પીટીઆઈમાં ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા હતા.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે 265 સીટો પર યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ પાર્ટીને બહુમતી મળી નથી. પરંતુ ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોને સૌથી વધુ 95 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં મૂંઝવણ છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે તે નિશ્ચિત છે. પરંતુ આ ગઠબંધન સરકારમાં કોણ હશે તેના પર હજુ સસ્પેન્સ છે.