ટ્રમ્પે H-1B વિઝા પર અચાનક $1,00,000 ની ફી કેમ ઝીંકી? વ્હાઇટ હાઉસે કર્યો ખુલાસો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પે H-1B વિઝા પર અચાનક $1,00,000 ની ફી કેમ ઝીંકી? વ્હાઇટ હાઉસે કર્યો ખુલાસો

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર અચાનક 1,00,000 યુએસ ડોલરની ફી ઝીંકતા ખળભળાટ મચી ગયો છે. આ નિર્ણયને કારણે વિદેશી કર્મચારીઓને નોકરી આપતી યુએસ કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. સોશિયલ મીડિયા પર ટ્રમ્પના નિર્ણયની ભારે ટીકા કરવામાં આવી રહી છે. એવામાં વ્હાઇટ હાઉસે આ નવા વિઝા પ્રોગ્રામ અંગે ખુલાસો રજુ કર્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ અમેરિકન કંપનીઓ યુએસ કર્મચારીઓને છૂટા કરીને, વિદેશી કર્મચારીઓને નોકરી આપી રહી છે.

આટલા યુએસ કર્મચારીઓએ નોકરી ગુમાવી:

વ્હાઇટ હાઉસે નિવેદનમાં જણાવ્યું હતું કે નાણકીય વર્ષ 2025માં એક કંપનીને 5,189 H-1B વિઝાની મંજૂરી મળતા 16,000 યુએસ કર્મચારીઓને છૂટા કર્યા હતાં અને બીજી એક કંપનીને 1,698 H-1B વિઝાની મંજૂરી મળી હતી, જેને કારણે 2,400 યુએસ કર્મચારીઓને છુટા કર્યા હતાં. ત્રીજી એક કંપનીને વર્ષ 2022 થી 25,075 H-1B વિઝાની મંજૂરીઓ મળી હતી, જેની સામે 27,000 યુએસ નાગરીકોને નોકરીમાંથી છુટા કર્યા હતાં, જ્યારે ચોથી એક કંપનીને ચાલુ નાણાકીય વર્ષમાં 1,000 અમેરિકનોની છટણી કરી હતી.

H-1B વિઝા પર ફી લાદવાનું કારણ:

વ્હાઇટ હાઉસે નિવેદનમાં જણાવ્યું કે H-1B વિઝાને કારણે અમેરિકનો STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો વિચાર છોડી રહ્યા છે અને આ વિઝા રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યું H-1B વિઝા પ્રોગ્રામનો દુરુપયોગ થાય, વેતનમાં થઇ રહેલો ઘટાડો બંધ થાય અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા જળવાઈ રહે એ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કંપનીઓ પર વધુ ફી લાદી રહ્યા છે.

ફક્ત નવી અરજીઓ પર લાગશે આ ફી:

આ સાથે સ્પષ્ટતા કરવામાં આવી કે H-1B વિઝા માટે USD 1,00,000 ફી ફક્ત નવી અરજીઓ પર જ લાગુ પડશે, જે હાલમાં યુએસમાં H-1B વિઝા પર કામ કરી રહેલા હજારો કર્મચારીઓને તેની અસર નહીં થાય. હાલ અમેરિકાની બહારના રહેલા H-1B વિઝા ધારકોએ યુએસ ફરીથી પ્રવેશવા માટે ફી ચૂકવવાની રહેશે નહીં.

આ પણ વાંચો…ડોલાન્ડ ટ્રમ્પના H-1B વિઝા નિર્ણય બાદ ફ્લાઇટ ભાડામાં ધરખમ વધારો, વાંચો અહેવાલ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button