જેરુસલેમમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી હમાસે લીધી ત્યારે હવે યુદ્ધવિરામ ચાલશે કે કેમ?
જેરુસલેમ: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ઘણા સમય બાદ યુદ્ધવિરામ થયું છે. પરંતુ અત્યારે જેરુસલેમમાં આતંકી હુમલો થયો છે. જેરુસલેમના પ્રવેશ દ્વાર ગણાતા મુખ્ય રસ્તાઓ પર બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં ઈઝરાયલના ત્રણ લોકોના મોત થયા હતા અને છ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો કે આ ઘટનામાં બંને આતંકીઓ પણ માર્યા ગયા હતા. હમાસે આ હુમલાની જવાબદારી પણ સ્વીકારી લીધી છે. આ હુમલા બાદ ઈઝરાયલના પીએમએ એક નિવેદન જારી કરીને આતંકીઓને મારવા માટે સુરક્ષાકર્મીઓની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે હમાસના આતંકીઓ જેરુસલેમ, ગાઝા, જુડિયા, સમરિયા કે પછી કોઇ પણ જગ્યાએ હોય દરેકને શોધી શોધીને મારી નાખવામાં આવશે.
ઇઝરાયલની સેના પણ સતત સૈન્ય હુમલાઓ કરી રહી છે. પેલેસ્ટિનિયન ઓથોરિટીએ કહ્યું હતું કે સાત ઓક્ટોબરથી લઈને અત્યાર સુધીમાં 250થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. જો કે છેલ્લા સાત દિવસથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે પરંતુ તેમ છતાં બંને દેશો એકબીજા પર છુપા હુમલા કરી રહ્યું છે. અને તેને કારણે જ કદાચ હવે આ યુદ્ધ વિરામ લાંબો સમય ચાલે એવું લાગતું નથી.
જો કે અત્યારે બંધકો અને કેદીઓની અદલાબદલી અંગે વાટાઘાટો ચાલી રહ્યો છે. તેમજ ગાઝા પટ્ટીમાં લોકોના જીવન માટે જરૂરી સામાન પણ પહોંચાડવામાં આવી રહી છે. ઈઝરાયલના પીએમએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે જો ઈઝરાયલની તમામ વાતો હમાસે સ્વીકારી નહી તો અમારી સેના પૂરી તાકાતથી ફરી હુમલો કરશે. ઉત્તર બાદ હવે ઈઝરાયલે દક્ષિણ ગાઝામાં જમીની સૈન્ય કાર્યવાહી કરીને હમાસને ખતમ કરવાની વાત કરી છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેમની પાસે અમેરિકન બંધકોની સ્થિતિ વિશે કોઈ માહિતી નથી. વર્તમાન યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ બંધકોને કેવી રીતે મુક્ત કરવામાં આવશે, હમાસ તમામ બંધકોને મુક્ત કરશે કે કેમ, તે શક્ય બનશે કે કેમ તે અંગે એક હજુ પ્રશ્ન છે. ત્યારે અત્યારના સંજોગો જોતા યુદ્ધવિરામ સંપૂર્ણ યુદ્ધવિરામમાં ફેરવાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. નોંધનીય છે કે આ યુદ્ધના કારણે લાખો લોકો નિરાધાર બની ગયા છે.