76 બિલાડીની હત્યા કરનારા શખસને કોર્ટે શું ફટકારી સજા?
સિઓલ: દક્ષિણ કોરિયાના એક દોષીને ૭૬ બિલાડીઓની હત્યા કરવા બદલ ૧૪ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ કોરિયાની ચાંગવોન ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ માણસને ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયાના પ્રાણી સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
કોર્ટે વ્યક્તિની ઓળખ જાહેર કરી નહોતી. કોર્ટના ચુકાદા મુજબ કોઇ બિલાડીએ તેની કાર પર નખોરિયા ભર્યા પછી બિલાડી પ્રત્યેના ધિક્કારને કારણે આ વ્યક્તિએ ડિસેમ્બર ૨૦૨૨ અને સપ્ટેમ્બર ૨૦૨૩ની વચ્ચે બિલાડીને મારી નાખવાની કામગીરીમાં ભાગ લીધો હતો.
તેણે રખડતી બિલાડીઓ પકડી હતી અને કેટલીક અન્યને ઓનલાઈન સાઇટ્સથી દત્તક લીધી હતી અને ત્યાર બાદ કેટલીકને ગળું દબાવીને મારી નાખી હતી અને અન્યને કાતરથી મારી નાખી હતી તથા તેણે એક બિલાડીને કાર સાથે અથડાવીને મારી નાખી હતી.
કોર્ટે ચુકાદો આપ્યો છે કે જેલની સજા અનિવાર્ય છે કારણ કે તેણે વારંવાર પૂર્વયોજિત રીતે “અવર્ણનીય રીતે ક્રૂર” ગુના કર્યા હતા. તે વ્યક્તિએ ચુકાદા સામે અપીલ કરી હતી.