હમાસ કા નામો નિશાન મિટા દેંગે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસની પ્રતિજ્ઞા
ગાઝાપટ્ટીઃ ઈઝરાયલ-હમાસ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ દિવસે દિવસે વધુને વધુ લોહિયાળ થતું જઈ રહ્યું છે અને એવામાં જ ઈઝરાયલને હમાસનો ખાતમો બોલાવીને જ રાહતનો શ્વાસ લેવાની કસમ ખાધી છે. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટી ખાતે જમીની હુમલો કરવા માટે સંપૂર્ણપણે રીતે સજ્જ છે. મળી રહેલી માહિતી પ્રમાણે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા હમાસના ટોચના કમાન્ડરોની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને એની સાથે સાથે ઈઝરાયલે આતંકવાદી સંગઠનના ટોચના અધિકારીઓને નિશાનો બનાવીને હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
IDF દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર હમાસના ટોચના કમાન્ડરની યાદી બહાર પાડવામાં આવી છે અને આ યાદીમાં આતંકવાદી જૂથના નેતાઓ ઈસ્માઈલ હનીયેહ, યેહ્યા સિનવાર અને કટ્ટરવાદી નેતા અલ ડેઈફના નામનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અલ ડેઇફને સાતમી ઑક્ટોબરના ઇઝરાયલી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.
સ્થાનિક અખબારમાં પ્રકાશિત થયેલાં સમાચાર અનુસાર ઈસ્માઈલ હનીયેહ 2006ની પેલેસ્ટિનિયન ચૂંટણીમાં ફતાહ સામે હમાસની જીત સુધી આતંકવાદી જૂથના નેતૃત્વના અગ્રણી સભ્ય નહોતા, પરંતુ ચૂંટણીમાં જીત બાદ તેમનો સિતારો બુલંદી પર પહોંચ્યો અને તેમને ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન ઓથોરિટીના વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમની સંપત્તિમાં ઝડપથી વધારો થયો.
બીજી બાજું ઇઝરાયલની સેના ગાઝામાં હમાસના કટ્ટરપંથી નેતા યેહ્યા સિનવારને “બુરાઈનો ચહેરો” તરીકે ઓળખે છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના પ્રદેશ પર આક્રમણ કરવા અને તેના નેતૃત્વને નષ્ટ કરવા માટે તૈયાર હજારો ઇઝરાયેલી સૈનિકો માટે સૌથી ટોચનું લક્ષ્ય છે. મોહમ્મદ દિયાબ ઇબ્રાહિમ અલ-મસરી ઉર્ફે અલ ડેઇફ ઇઝરાયલથી બચવા માટે દરરોજ રાતના ઘર બદલતો રહે છે અને તે હમાસની લશ્કરી પાંખ અલ કાસિમ બ્રિગેડનું સૂત્રસંચાલન કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1996માં થયેલાં ચાર આત્મઘાતી હુમલામાં ડેઇફનો હાથ હતો. જેરુસલેમ અને તેલ અવીવમાં થયેલા આ હુમલાઓમાં 65 લોકોના મૃત્યુ થયા હતા. આ સાથે સાથે જ તે શાંતિ પ્રક્રિયાને ખોરંભે ચઢાવવાના હેતુથી કરવામાં આવેલા અન્ય હુમલાઓમાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે.