નસરલ્લાહ સહિત છ કમાન્ડર મરાયા પછી પણ યુદ્ધ ચાલુ રહેશેઃ હિઝબુલ્લાહ ઝુકેગા નહીં…
બેરુતઃ હિઝબુલ્લાહના ઉપનેતાએ જૂથના મોટાભાગના ટોચના કમાન્ડરોની હત્યા થવા છતાં ઇઝરાયલ સામે લડાઇ ચાલું રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આતંકવાદી જૂથ લાંબા યુદ્ધ માટે તૈયાર છે. હિઝબુલ્લાહનો નેતા હસન નસરલ્લાહ પણ ઇઝરાયલી હુમલાઓમાં માર્યા ગયેલા ટોચના નેતાઓમાં સામેલ હતો.
છેલ્લા ૧૦ દિવસમાં ઇઝરાયલી હુમલાઓમાં નસરલ્લાહ અને તેના છ ટોચના કમાન્ડર અને અધિકારીઓ માર્યા ગયા છે, પરંતુ ઈઝરાયલ સામે યુદ્ધ ચાલુ રહેશે. સેનાનું કહેવું છે કે લેબનોનના મોટા ભાગોમાં હજારો આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા બે અઠવાડિયામાં લેબનોનમાં ૧૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી લગભગ ચોથા ભાગના મહિલાઓ અને બાળકો છે. સરકારનું કહેવું છે કે લડાઇને કારણે ૧૦ લાખ લોકો વિસ્થાપિત થઇ શકે છે.
મધ્ય બેરુતમાં આજે વહેલી સવારે હવાઇ હુમલો થયો હતો, જેમાં રહેણાંક ઇમારત નાશ પામી અને નજીકના અન્ય મકાનોને પણ નુકસાન થયું હતું. આ હુમલામાં ત્રણ પેલેસ્ટિનિયન આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇઝરાયેલના આ હુમલાથી એવું લાગે છે કે લેબનોનનો કોઇ પણ ભાગ ઇઝરાયેલના નિશાનની બહાર નથી.
તાજેતરના અઠવાડિયામાં હિઝબુલ્લાહને એક બાદ એક મોટા ઝાટકાઓ લાગ્યા હોવા છતાં ઉપનેતા નઇમ કાસેમે નસરલ્લાહના મૃત્યુ બાદ સોમવારે ટેલિવિઝન પર તેના પહેલા નિવેદનમાં કહ્યું કે જો ઇઝરાયેલ જમીની હુમલો કરવાનો નિર્ણય કરે છે તો હિઝબુલ્લાહના લડવૈયાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.
કાસેમે કહ્યું કે ઇઝરાયલ અમારી(લશ્કરી) ક્ષમતાઓને પ્રભાવિત કરવાને સક્ષમ નથી. અમારી પાસે ઉપકમાન્ડર છે અને કોઇ પણ ટોચના નેતાના મોત કે ઘાયલ થવાની સ્થિતિમાં કમાન્ડરની જગ્યા લઇ શકે છે.
તેણે કહ્યું કે હિઝબુલ્લાહને આશંકા છે કે યુદ્ધ લાંબુ ચાલશે. હિઝબુલ્લાહના સંસ્થાપક સભ્યોમાં સામેલ અને નસરલ્લાહનો લાંબા સમયના સાથી રહેલો કાસેમ જૂથના ટોચના નેતૃત્વ પદ પર નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી ઉપનેતા તરીકે કામ કરશે.