આઇસલેન્ડમાં ફરી જવાળામુખી થયો સક્રિય, કટોકટીની સ્થિતિ જાહેર
રેકજાવિકઃ દક્ષિણપશ્ચિમ આઇસલેન્ડમાં ત્રણ મહિનામાં ચોથી વખત જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. માઉન્ટ હેગાફેલ અને માઉન્ટ સ્ટોરા સ્કોગફેલની વચ્ચેના પ્રદેશમાં આ જ્વાળા મુખી ફાટ્યો હતો, જેને કારણે આકાશ નારંગી રંગનું થઇ ગયું હતું. લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. અગાઉ આ જ વિસ્તારમાં 8 ફેબ્રુઆરીએ જ્વાળામુખી ફાટ્યો હતો, જેને કારણે આખા શહેરને ખાલી કરાવવામાં આવ્યું હતું.
લાવા લગભગ 0.62 માઇલ પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ અને દક્ષિણપૂર્વ તરફ વહેતો હતો. જો આ જ ગતિથી લાવા નીકળવાનું ચાલુ રહેશે તો લાવા સમુદ્ર સુધી પહોંચી શકે છે, જે નજીકના કોઈપણ માટે જોખમી હોઈ શકે છે, એમ હવામાન કચેરીએ જણાવ્યું હતું. વૈજ્ઞાનિકોને ડર છે કે વિસ્ફોટ દાયકાઓ સુધી ચાલુ રહી શકે છે.
જ્વાળામુખી ફાટ્યા બાદ લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. સ્થિતિની ગંભીરતા જાણી આઇસલેન્ડિક પોલીસે સ્થાનિક કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. નુકસાનના સ્કેલ અથવા સંભવિત જાનહાનિ વિશે તાત્કાલિક કોઈ માહિતી ઉપલબ્ધ થઇ નથી.
નોંધનીય છે કે આઇસલેન્ડ એ પૃથ્વી પરના સૌથી સક્રિય જ્વાળામુખી વિસ્તારમાંનું એક છે. આઇસલેન્ડ 30 થી વધુ સક્રિય જ્વાળામુખી ધરાવે છે. જોકે, આ જ વિશેષતા ઉત્તર યુરોપિયન ટાપુને પ્રવાસન માટેનું મુખ્ય સ્થળ બનાવે છે.