Top Newsઇન્ટરનેશનલ

‘…. તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ.’ પુતિને યુરોપિયન દેશોને આપી ખુલ્લી ચેતવણી…

મોસ્કો: રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર હુમલો શરુ કરીને યુદ્ધની જાહેરાત કરી હતી, ત્યાર બાદ હજુ સુધી આ યુદ્ધનો અંત આવી શક્યો નથી. એવામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુરોપિયન દેશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે જો યુરોપ ઇચ્છતું હોય તો રશિયા યુદ્ધ માટે તૈયાર છે.

પુતિને આરોપ લગાવ્યો કે યુરોપિયન દેશોના નેતાઓ યુક્રેન યુદ્ધવિરામ માટે શાંતિ યોજનાને અંતિમ સ્વરૂપ આપવાના યુએસના પ્રયસોમાં વિઘ્ન પાડી રહ્યા છે. યુક્રેન યુદ્ધવિરામની યોજના અંગે ચર્ચા કરવા પુતિને મોસ્કોમાં યુએસ રાજદૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર સાથે બેઠક કરી હતી, ત્યાર બાદ તેમણે આવું નિવેદન આપ્યું હતું.

યુરોપ પર લગાવ્યા આરોપ:
પુતિને પત્રકારો સાથે વાત કરતા કહ્યું, “અમે યુરોપ સાથે યુદ્ધ કરવા નથી ઇચ્છતા, પરંતુ જો યુરોપ ઇચ્છે છે અને તેઓ યુદ્ધ શરૂ કરે છે, તો અમે હાલ તૈયાર જ છીએ.”

પુતિને આરોપ લગાવ્યો કે યુરોપિયન સરકારો યુક્રેન યુદ્ધનું સમાધાન લાવવા યુએસ સરકારના પ્રયાસોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે. તેમણે કહ્યું, “તેમની પાસે કોઈ શાંતિપૂર્ણ એજન્ડા નથી, તેઓ યુદ્ધના પક્ષમાં છે.”

નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રજુ કરેલી યુક્રેન યુદ્ધવિરામ યોજનામાં યુરોપિયન દેશોએ ફેરફાર સૂચવ્યા હતાં. યુએસ એસએ 28-પોઇન્ટનો ડ્રાફ્ટ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં યુક્રેન અને યુરોપિયન દેશોએ વાંધાઓ રજુ કર્યા હતાં, બાદમાં તેમાં સુધારા કરવામાં આવ્યા હતાં.

આ બાબતે પુતીને યુરોપિયન દેશોના વલણની ટીકા કરી હતી. પુતીને કહ્યું આ ફેરફારોનો હેતુ સમગ્ર શાંતિ પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાનો હતો, યુરોપે એવી માંગણીઓ રજૂ કરી જે રશિયા માટે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

આ પણ વાંચો…દિલ્હીમાં ડિનરથી મેગા ડીલ્સ સુધી, જાણો ભારત મુલાકાત દરમિયાન શું કરશે પુતિન?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button