ઈરાનમાં 'બેવડા ધોરણો'નો પર્દાફાશ: ટોચના નેતાના પૂર્વ સલાહકારની પુત્રી હિજાબ વગરના વેડિંગ ગાઉનમાં જોવા મળી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ઈરાનમાં ‘બેવડા ધોરણો’નો પર્દાફાશ: ટોચના નેતાના પૂર્વ સલાહકારની પુત્રી હિજાબ વગરના વેડિંગ ગાઉનમાં જોવા મળી

તહેરાન: ઇસ્લામિક દેશોમાં મહિલાઓના હિજાબને લઈને કડક નિયમો છે. આ નિયમોને લઈને ત્યાંના શાસકો કડક વલણ ધરાવે છે. પરંતુ શાસકોનું આ કડક વલણ માત્ર દેખાડો સાબિત થયું છે. કારણ કે ઈરાનના સર્વોચ્ચ નેતા ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈના પૂર્વ સલાહકાર અને ટોચના લશ્કરી કમાન્ડર અલી શમખાનીની પુત્રી જ તેના લગ્નમાં હિજાબ વગર જોવા મળી છે.

અલી શમખાનીની પુત્રીનો વીડિયો વાયરલ

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામનેઈના પૂર્વ સલાહકાર અને ટોચના લશ્કરી કમાન્ડર અલી શમખાનીની પુત્રી ફાતિમાના લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અલી શમખાની પોતાની પુત્રી ફાતિમાને તેહરાનની લક્ઝરી એસ્પીનાસ પેલેસ હોટેલમાં લગ્નના મંચ તરફ લઈ જતા જોવા મળે છે.

આપણ વાંચો: દીપિકા હિજાબમાં અને રણવીર સિંહ લાંબી દાઢીમાં: અબુ ધાબીના વીડિયોમાં કપલનો નવો લુક વાયરલ

ફાતિમાએ ગળાના ભાગેથી ખુલ્લો (લો-નેકલાઈન) અને સ્ટ્રેપલેસ વેડિંગ ગાઉન પહેર્યો છે, જે ઈરાનના કડક ડ્રેસ કોડનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. સમારોહમાં સંગીત ગુંજી રહ્યું છે અને મહેમાનોમાં અનેક મહિલાઓ હિજાબ વગર હાજર જોવા મળી હતી. મહિલાઓ તાળીઓથી તેમનું સ્વાગત કરી રહી છે.

વીડિયોમાં જોવા મળેલા આ દ્રશ્યો ઈસ્લામિક રિપબ્લિકના કટ્ટર નિયમોથી તદ્દન વિપરીત છે. જેની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે.

આ વીડિયો વાયરલ થયા બાદ ઈરાનના હિજાબ વિરોધી કાર્યકરો અને સોશિયલ મીડિયા યુઝર્સે શામખાની સહિત શાસક વર્ગના ‘બેવડા ધોરણો’ની આકરી ટીકા કરી છે. અલી શમખાની 2013થી 2023 સુધી સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (SNSC)ના સચિવ હતા.

તેમને હિજાબ અને જાહેર નૈતિકતાના કટ્ટર સમર્થક માનવામાં આવે છે. SNSCએ જ સંસ્થા હતી, જેણે 2022માં મહેસા અમીનીના મૃત્યુ બાદ ફાટી નીકળેલા હિજાબ વિરોધી વિરોધ પ્રદર્શનો પર ક્રૂર કાર્યવાહી કરી હતી, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા.

આપણ વાંચો: હિજાબ પર પ્રતિબંધ: એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલને ધમકી

ઈરાની કાર્યકર્તાઓએ કરી ટીકા

ઈરાની લોકશાહી તરફી કાર્યકરોએ ટીકા કરી છે કે જ્યારે ઈરાનની અડધી વસ્તી ગરીબી રેખા નીચે જીવી રહી છે, ફુગાવો 42.4 ટકા છે અને બેરોજગારી 9 ટકા છે, ત્યારે આવા ભવ્ય અને ખર્ચાળ લગ્નો યોજવા એ સત્તાનું સ્પષ્ટ પ્રદર્શન છે.

ઈરાની લોકશાહી તરફી કાર્યકર્તા મસીહ અલી નેજાદે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, “આ લગ્ન બતાવે છે કે કેવી રીતે ભદ્ર વર્ગ સામાન્ય લોકોને નમ્રતાનો ઉપદેશ આપે છે, જ્યારે તેમની પોતાની પુત્રીઓ ખુલ્લા કપડાં પહેરીને ફરે છે.

સામાન્ય લોકો માટે એક વાત છે, સત્તામાં રહેલા લોકો માટે બીજી વાત છે.” સ્વીડિશ-ઈરાની સાંસદ અલી રેઝા અખોંદીએ તેને “દંભનું પ્રદર્શન” ગણાવ્યું અને કહ્યું કે આ ‘ધર્મનો નહીં, પણ સત્તામાં રહેલા લોકોમાં રહેલા દંભ, ભ્રષ્ટાચાર અને મહિલાઓને ધમકાવવાનો’ વિષય છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે. જ્યારે ઈરાની સરકાર મહિલાઓ ડ્રેસ કોડનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે 80,000 નૈતિકતા પોલીસ અધિકારીઓને તૈનાત કરવાની યોજના બનાવી રહી છે. જેના કારણે જાહેર જનતામાં ગુસ્સો અને વર્તમાન સરકાર પ્રત્યેનો આક્રોશ વધુ વધ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button