ઇન્ટરનેશનલનેશનલ

Video: ખાલિસ્તાની આતંકવાદી Hardeep singh Nijjar ની હત્યાનો વીડિયો જાહેર

સરે: ગયા વર્ષે જૂન મહિનામાં કેનેડા(Canada)ના સરે(Surrey)માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep singh Nijjar)ની હત્યા થઇ હતી. કેનેડાએ નિજ્જરની હત્યામાં ભારતની સિક્રેટ એજન્સીઓનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યાર બાદ ભારત અને કેનેડાના રાજદ્વારીય સંબંધો વણસ્યા હતા. એવામાં હવે નવ મહિના બાદ નિજ્જરની હત્યાની ઘટનાનો કથિત વીડિયો જાહેર થયો છે. આ વીડિયોમાં હુમલાખોરો નિજ્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે.

હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કથિત વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘટનાના દિવસે હરદીપ સિંહ નિજ્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી તેની પીકઅપ ટ્રકમાં બહાર નીકળ્યો અને પીકઅપ ટ્રક પરિસરની બહાર નીકળતા જ એક સેડાન કાર અચાનક તેની સામે આવીને ઉભી રહી ગઈ. જેમાંથી બે લોકોએ બહાર આવીને હરદીપ સિંહ નિજ્જર પર ફાયરિંગ કર્યું હતું. કેનેડાના એક મીડિયા હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નિજ્જરને ગોળી માર્યા બાદ હુમલાખોરો સિલ્વર રંગની ટોયોટા કેમરી કારમાં ફરાર થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યાં નિજ્જરને ગોળી વાગી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા. ગોળીનો અવાજ સાંભળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે તે નિજ્જર પાસે મદદ માટે પહોંચ્યો હતો અને અન્ય યુવકે હુમલાખોરોનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો.

હરદીપ સિંહ નિજ્જરની હત્યાને નવ મહિના વીતી ગયા છે, પરંતુ હજુ સુધી રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ શકમંદોના નામ જાહેર કરી શકી નથી, આ કેસમાં કોઈની ધરપકડ પણ કરવામાં આવી નથી. પરંતુ હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે કેનેડાના વડા પ્રધાને આરોપ લગાવ્યો હતો કે આ હત્યામાં ભારત સરકારનો હાથ છે.

કેનેડાના વડા પ્રધાનના આરોપોને કારણે ભારત-કેનેડાના સંબંધો બગડ્યા હતા. કેનેડાના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે નિજ્જરની હત્યા અંગે કેનેડા દ્વારા હજુ સુધી કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button