રાષ્ટ્રપતિ હોય તો શું થઈ ગયું? પતિ પત્ની માટે પતિ જ હોય છે… ફ્રાન્સના પ્રેસિડન્ટનો વીડિયો થયો વાઈરલ…

આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દેશ-દુનિયાની કોઈ ખૂણાની ઘટનાની માહિતી ઘરે બેઠા મળી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં વિયેટનામની મુલાકાતે પહોંચ્યા હતા અને આ સમયે તેમની સાથે પત્નીએ બ્રિજિટ મેક્રોંએ કંઈક એવું કર્યું હતું ચારેકોર એની ચર્ચા થઈ રહી છે.
મેક્રોં રવિવારે વિયેટનામની રાજધાની હાનોઈ પહોંચ્યા હતા અને તેમની આ મુલાકાત કરતાં વધારે ચર્ચા તો પત્નીના હાથે પડેલી લપડાકની થઈ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ શું છે આખો મામલો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે જેવી મેક્રોંની ફ્લાઈટ વિયેટનામની રાજધાની હાનોઈમાં લેન્ડ થયું અને ફ્લાઈટનો દરવાજો ખુલે છે કે મેક્રોં ત્યાં ઊભેલા જોવા મળે છે. ત્યાર બાદ બ્રિજિટ મેક્રોંનો હાથ જોવા મળે છે અને તે મેક્રોંના ગાલ પર લપડાક મારતો દેખાય છે. આ જોઈને પહેલાં તો મેક્રોં ચોંકી જાય છે, પણ બાદમાં તે પોતાની જાતને સંભાળતીને સ્વાગત માટે આવેલા પ્રતિનિધિ મંડળની તરફ આગળ વધે છે.
મેક્રોંની પાછળ પાછળ બ્રિજિટ પમ ફ્લાઈટમાંથી ઉતરે છે અને તેમની સાથે ચાલવા લાગે છે. આ સમયે મેક્રોં બ્રિજિટની સામે હાથ લંબાવવાનો પ્રયાસ કરે છે પણ બ્રિજિટ તેને ઈગ્નોર કરીને ચાલવાનું ચાલું રાખે છે.
આ વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તેને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને લઈને પહેલાં તો રાષ્ટ્રપતિ ભવન દ્વારા તેને રદીયો આપવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં આ ઘટનાને પતિ-પત્ની વચ્ચેની હળવાશની પળો ગણાવી દીધી હતી. એક અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે એ પળમાં રાષ્ટ્રપતિ અને તેમના પત્ની મુલાકાત શરૂ કરતાં પહેલાં હસી મજાક કરી રહ્યા હતા અને આ તેમની પ્રાઈવેટ મોમેન્ટ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે મેક્રોંની દક્ષિણ-પૂર્વ એશિયાની મુલાકાત એક અઠવાડિયા સુધી ચાલશે અને આ મુલાકાત દરમિયાન જ તેઓ સૌથી પહેલાં વિયેતનામ પહોંચ્યા હતા. ત્યાર બાદ તેઓ ઈન્ડોનેશિયા અને સિંગાપૂરની મુલાકાતે જશે.
આ પણ વાંચો…યુક્રેનની રાજધાની કિવ પર રશિયાએ 69 મિસાઇલથી કર્યો ઘાતક હુમલો, 12 જણનાં મોત