વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્ક લવાશે, ફ્રાન્સે હુમલાની નિંદા કરી…

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્ક લાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વેનેઝુએલામાં આ કાર્યવાહી સ્પષ્ટ સંદેશ આપે છે કે અમેર્રિકા વિરુદ્ધ ચાલાકી નથી ચાલતી. અમેરિકા તેના હિતો અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સાથે કડક કાર્યવાહી કરશે. જયારે ફ્રાન્સે વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીની આકરી ટીકા કરી છે.
આ પણ વાંચો…અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને પકડી દેશનિકાલ કર્યા: ડૉનાલ્ડ ટ્રમ્પનો દાવો…
કાર્યવાહી માત્ર લશ્કરી જ નહીં પણ વ્યૂહાત્મક અને આર્થિક
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ લાઇવ જોઈ અને તે એક ટેલિવિઝન શો જેવું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકા ભવિષ્યમાં વેનેઝુએલાના ઓઈલ ઉદ્યોગમાં મજબૂત રીતે સામેલ રહેશે. તેમણે સંકેત આપ્યો કે આ કાર્યવાહી માત્ર લશ્કરી જ નહીં, પણ વ્યૂહાત્મક અને આર્થિક પણ છે.

યુએનએ અમેરિકાની કાર્યવાહીને ખતરનાક ગણાવી
આ દરમિયાન યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે વેનેઝુએલા પર અમેરિકાના હુમલા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી. તેમના પ્રવક્તા, સ્ટીફન ડુજારિકે કહ્યું કે આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા માટે ખતરનાક કાયર્વાહી સ્થાપિત કરી શકે છે. તેમણે ભાર મૂક્યો કે બધા દેશોએ યુએન ચાર્ટર સહિત આંતરરાષ્ટ્રીય કાયદાનું સંપૂર્ણ સન્માન કરવું જોઈએ. ગુટેરેસે ચિંતા વ્યક્ત કરી કે આ કિસ્સામાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું.

ફ્રાન્સે અમેરિકાની લશ્કરી કાર્યવાહીની આકરી ટીકા કરી
જયારે ફ્રાન્સે વેનેઝુએલામાં અમેરિકાની લશ્કરી કાર્યવાહીની આકરી ટીકા કરી છે. ફ્રાન્સના વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડવા માટે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. ફ્રાન્સે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ દેશની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે અને આવી કાર્યવાહી વૈશ્વિક સ્થિરતા માટે ખતરો ઉભો કરી શકે છે.
આ પણ વાંચો…વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એકસાથે સાત પ્રચંડ વિસ્ફોટો, અમેરિકાએ હુમલો કર્યાની આશંકા
રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને બંધક બનાવી લીધા
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે મોડી રાત્રે વેનેઝુએલાની રાજધાની કારાકાસ અમેરિકાના હવાઈ હુમલાથી હચમચી ઉઠી હતી. અમેરિકન વિમાનોએ દેશભરમાં અનેક સ્થળોએ હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલાઓ વચ્ચે અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમની પત્નીને બંધક બનાવી લીધા છે.



