વેનેઝુએલાના રાષ્ટ્રપતિના હાલ જુઓ વીડિયોમાં, કોર્ટમાં કયા વેશમાં હાજર કર્યા?

વેનેઝુએલામાં વર્ષો સુધી એકહથ્થુ શાસન ભોગવનાર નિકોલસ માદુરો માટે સમયનું ચક્ર હવે પલટાઈ ગયું છે. અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં પકડાયેલા માદુરોને આજે ન્યૂયોર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર વેનેઝુએલા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટો સંદેશ છે કે કાયદાની પહોંચથી કોઈ દૂર નથી. જે વ્યક્તિ એક સમયે આખા દેશનું સંચાલન કરતી હતી, તે આજે ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા માટે અમેરિકાની ધરતી પર કસ્ટડીમાં છે.
સોમવારે 63 વર્ષીય નિકોલસ માદુરોને મેનહટનની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સામે આવેલા વીડિયોમાં માદુરો એકદમ લાચાર હાલતમાં જોવા મળી રહ્યા છે. તેઓ કેદીઓ માટે નિર્ધારિત ભૂરા રંગના કપડાં અને પગરખાં પહેરીને લંગડાતા ચાલતા દેખાયા હતા. તેમની સાથે તેમની પત્ની પણ કસ્ટડીમાં જોવા મળી હતી. માદુરોને અત્યંત કડક સુરક્ષા વચ્ચે હેલિકોપ્ટર દ્વારા કોર્ટ નજીક લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બખ્તરબંધ ગાડીમાં બેસાડીને ન્યાયાધીશ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.
માદુરોની સુનાવણીને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ મેનહટન કોર્ટની આસપાસ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. કોર્ટના મુખ્ય પ્રવેશદ્વાર અને આસપાસના રસ્તાઓ પર મજબૂત બેરિકેડિંગ કરવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પેટ્રોલિંગ માટે ખાસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને સમગ્ર વિસ્તારને જાણે છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતા સુરક્ષા વ્યવસ્થા પરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
હાલમાં માદુરોને ન્યૂયોર્કના બ્રુકલિનમાં આવેલી જેલમાં રાખવામાં આવ્યા છે. આ જેલ તેની ખરાબ વ્યવસ્થાઓ અને અવ્યવસ્થા માટે વારંવાર બદનામ રહી છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ભૂતકાળમાં કેટલાક જજોએ આરોપીઓને આ જેલમાં મોકલવાનો પણ ઈનકાર કર્યો છે. જોકે, આ જ જેલમાં અગાઉ સંગીતકાર આર. કેલી અને સીન ડિડી કોમ્બ્સ જેવા નામાંકિત કેદીઓ પણ રહી ચૂક્યા છે. હવે વેનેઝુએલાના આ પૂર્વ રાષ્ટ્રપ્રમુખનું નવું સરનામું આ વિવાદાસ્પદ જેલ બની છે.



