નિકોલસ માદુરોને અમેરિકા ઉપાડી ગયું, હવે આ મહિલા બનશે વેનેઝુએલાની વચગાળાની રાષ્ટ્રપતિ

કારાકાસ: વેનેઝુએલા પર કરેલા આકાશી હુમલાઓ બાદ અમેરિકાએ ત્યાંના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની તેમની પત્ની સહિત ધરપકડ કરી છે. આમ, હવે વેનેઝુએલા રાષ્ટ્રપતિ વિહોણું બની ગયું છે. એવા સમયે વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક આદેશ જાહેર કરીને નવા રાષ્ટ્રપતિની નિમણૂક કરી છે.
વેનેઝુએલાની કમાન કોને સોંપાઈ?
વેનેઝુએલાએ ઉપરાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની દેશના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે. અમેરિકી સ્પેશિયલ ઓપરેશનમાં નિકોલસ માદુરોની અટકાયત થયા બાદ વહીવટી શૂન્યાવકાશ ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડેલ્સી રોડ્રિગ્ઝ છેલ્લા ઘણા વર્ષોથી વેનેઝુએલાની રાજનીતિમાં સક્રિય છે.
1969માં જન્મેલા ડેલ્સી રોડ્રિગ્ઝ ડાબેરી ગેરિલા નેતા જોર્જ એન્ટોનિયો રોડ્રિગ્ઝની પુત્રી છે. 56 વર્ષીય ડેલ્સી રોડ્રિગ્ઝ વેનેઝુએલાના રાજકારણનું એક અત્યંત શક્તિશાળી નામ છે. તેઓ માદુરો સરકારમાં વિદેશ મંત્રી, સંચાર મંત્રી અને જૂન 2018થી ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી રહ્યા હતા. માદુરો તેમને પ્રેમથી “સિંહણ” કહીને સંબોધતા હતા. તેમણે તેલ મંત્રાલય અને નાણાં મંત્રાલય જેવી મહત્વની જવાબદારીઓ સંભાળી છે, જે વેનેઝુએલાના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે.
તાજેતરમાં દેશમાં પ્રવર્તી રહેલા ભારે તણાવ વચ્ચે ડેલ્સી રોડ્રિગ્ઝે એક ઓડિયો સંદેશ જારી કરીને અમેરિકી સેનેટ પાસે પુરાવા માંગ્યા છે કે પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલ્વિયા ફ્લોરેસ સુરક્ષિત અને જીવંત છે.
ડેલ્સી રોડ્રિગ્સ સામે મોટો પડકાર
વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે, રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને સુરક્ષા જાળવી રાખવા માટે રોડ્રિગ્ઝને આ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર-એ-લાગો ખાતે પત્રકાર પરિષદમાં આ નિમણૂકને સમર્થન આપતા કહ્યું કે, “ડેલ્સી રોડ્રિગ્ઝ દેશને ફરી મહાન બનાવવા માટે જરૂરી તમામ પગલાં લેવા તૈયાર છે અને અમેરિકા ભવિષ્યમાં વેનેઝુએલાના સંચાલનમાં સહયોગ કરશે.”
ઉલ્લેખનીય છે કે, વ્યવસાયે વકીલ અને મક્કમ આર્થિક નીતિઓ માટે જાણીતા ડેલ્સી રોડ્રિગ્ઝ માટે આગામી સમય કપરો સાબિત થઈ શકે છે. અમેરિકી પ્રતિબંધો અને આંતરિક અસ્થિરતા વચ્ચે તેઓ દેશને કેવી રીતે સંભાળે છે તેના પર આખા વિશ્વની નજર છે.
આ પણ વાંચો…યુએસથી નિકોલસ માદુરોનો પહેલો વિડીયો: પત્ની સાથે ફેડરલ કસ્ટડીમાં કેદ



