Top Newsઇન્ટરનેશનલ

વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એકસાથે સાત પ્રચંડ વિસ્ફોટો, અમેરિકાએ હુમલો કર્યાની આશંકા

કારાકસ: દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં શનિવારની રાત કયામત જેવી સાબિત થઈ હતી. રાજધાની કારાકાસના આકાશમાં અચાનક વિસ્ફોટોના અવાજ ગુંજી ઉઠ્યા હતા અને જોતજોતામાં અનેક વ્યૂહાત્મક સ્થળો ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયા હતા. સ્થાનિક અહેવાલો મુજબ આ એક આયોજિત હવાઈ હુમલો હોવાની પ્રબળ આશંકા છે. આ હુમલાને કારણે સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને હજારો લોકો જીવ બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, કારાકાસમાં ઓછામાં ઓછા સાત મોટા વિસ્ફોટો નોંધાયા છે. મધરાતે આશરે 1:50 વાગ્યે થયેલો પહેલો ધડાકો એટલો ભયાનક હતો કે આસપાસના મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા. મુખ્ય સૈન્ય મથકો ‘ફોર્ટ ટિઉના’ અને ‘લા કાર્લોટા’ પર ફાઈટર જેટ્સ ઉડતા જોવા મળ્યા હતા અને ત્યારબાદ જોરદાર બ્લાસ્ટ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાં નારંગી રંગની જ્વાળાઓ અને ધુમાડાના પહાડ જેવડા ગોટા સ્પષ્ટ જોઈ શકાય છે.

આ ગંભીર ઘટના બાદ આડોશી-પાડોશી દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર અત્યંત ગંભીર પોસ્ટ કરતા લખ્યું કે, “આ સમયે કારાકાસ પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. વેનેઝુએલા પર મિસાઈલ હુમલો થયો છે અને વિશ્વએ આ મામલે સતર્ક થઈ જવું જોઈએ.” તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને OAS ને તાત્કાલિક બેઠક બોલાવવા અપીલ કરી છે, જેથી આ સંઘર્ષને વૈશ્વિક યુદ્ધમાં ફેરવાતો અટકાવી શકાય.

જોકે આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ સ્વીકારી નથી, પરંતુ શંકાની સોય અમેરિકા તરફ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ અનેકવાર વેનેઝુએલામાં ડ્રગ કાર્ટેલ અને ગેરકાયદે પ્રવાસન રોકવા માટે સીધી કાર્યવાહીની ધમકી આપી હતી. ઓક્ટોબરમાં ટ્રમ્પે CIA ને વેનેઝુએલામાં સ્પેશિયલ ઓપરેશન ચલાવવાની મંજૂરી પણ આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં જોતા, આ વિસ્ફોટો અમેરિકા દ્વારા કરવામાં આવેલી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button