વીર દાસે ઈતિહાસ રચ્યો, બેસ્ટ કોમેડી માટે ઈન્ટરનેશનલ એમી એવોર્ડ જીત્યો
જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે ઇન્ટરનેશનલ એમી વોર્ડ 2023 માં શ્રેષ્ઠ યુનિક કૉમેડી એવાર્ડ જીતી ઇતિહાસ રચી દીધો છે. વીર દાસને નેટફ્લિક્સ શો ‘વીર દાસ લેન્ડિંગ’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે. ‘વીર દાસ લેન્ડિંગ’ની સાથે ‘ડેરી ગર્લ્સ સીઝન 3’ને કોમેડી માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવ્યા છે. બંને વચ્ચે સ્પર્ધા બરાબર હતી અને બંનેએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યો હતો.
નોંધનીય છે કે આ પહેલા 2021માં પણ વીર દાસને તેના કોમેડી શો ‘ટુ ઈન્ડિયા’ માટે એમી ઈન્ટરનેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો પરંતુ તે વખતે આ એવોર્ડ જીતી શક્યો ન હતો. આ વર્ષે ‘દિલ્હી ક્રાઈમ 2’ (નેટફ્લિક્સ) માટે અભિનેત્રી શેફાલી શાહ અને ‘રોકેટ બોયઝ 2’ (સોની લિવ) માટે અભિનેતા જિમ સરબને પણ આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ એમી એવોર્ડના ઓફિશિઅ હેન્ડલ એક્સ એકાઉન્ટ પર વીર દાસની તસવીર સાથેની પોસ્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. વીરદાસને એમી એવોર્ડથી નવાજવામાં આવ્યા બાદ તેને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
ઇન્ટરનેશનલ એમી એવોર્ડમાં જીત વિશે વાત કરતાં, વીર દાસે પોતાનો ઉત્સાહ અને ખુશી વ્યક્ત કરતાં કહ્યું, “આ ક્ષણ ખરેખર અવિશ્વસનીય છે – એક આ સન્માન જે સ્વપ્ન જેવું લાગે છે. કોમેડી કેટેગરીમાં વીર દાસ: લેન્ડિંગ માટે એમી જીતવું એ માત્ર મારા માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતીય કોમેડી માટે એક સીમાચિહ્નરૂપ છે.’
ઇન્ટરનેશનલ એમી એવોર્ડ સમારોહ 20 નવેમ્બરના રોજ ન્યૂયોર્ક સિટીમાં યોજાયો હતો.