પાકિસ્તાન નહીં બચી શકે, આતંકવાદ સામે લડવા ભારતને મળ્યો અમેરિકાનો સાથ

વોશિંગ્ટનઃ પહલગામ હુમલા બાદ ભારતને આતંકવાદ સામે લડવા માટે સમગ્ર વિશ્વમાંથી સમર્થન મળી રહ્યું છે. વિશ્વની મહાસત્તા અમેરિકાએ પણ ભારતને સમર્થન આપ્યું છે. અમેરિકાની સંસદના સ્પીકર માઇક જોનસને કહ્યું, ભારતે કોઈપણ સ્થિતિમાં આતંકવાદ સામે લડવું પડશે. અમે ભારતને સાથ આપવાનો શક્ય તમામ પ્રયત્ન કરીશું. ટ્રમ્પ સરકાર આતંકવાદ સામે લડવા ભારતને તમામ સંસાધન ઉપલબ્ધ કરાવશે.
તેમણે કહ્યું કે, આતંકવાદ માત્ર ભારતનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સુરક્ષાનો મુદ્દો છે. અમેરિકા તેનું સમાધાન શોધવા કટિબદ્ધ છે. અમેરિકા કરી શકે તે તમામ મદદ કરશે. આવી જ રીતે સંબંધ ગાઢ થતાં હોવાનું મને લાગે છે. ટ્રમ્પ સરકાર આતંકવાદના ખતરાને સમજી શકે છે, તેથી આટલું મહત્ત્વ આપે છે. ભારતમાં જે કંઈ થયું તેના પ્રત્યે અમારી સંવેદના છે. અમે અમારા સાથીઓ સાથે ઉભા રહેવા માંગીએ છીએ. ભારત અમારા માટે એક મહત્ત્વપૂર્ણ દેશ છે. બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં જ ટ્રેડને લઈ સફળ વાતચીત થશે. જોનસને એક કાર્યક્રમમાં જણાવ્યું, ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર પણ વાત કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે સફળ વાતચીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ 26 સહેલાણીઓની ગોળી મારીને હત્યા કરી હતી. જે બાદથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. વડા પ્રધાન મોદી તથા કેન્દ્રીય નેતાઓએ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપીશું તેવી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે સિંધુ જળ કરાર પર રોક, પાકિસ્તાનીઓના વિઝા રદ, એરસ્પેસ તથા વેપાર બંધ કરવા જેવા અનેક નિર્ણયો લીધા છે.