ઇન્ટરનેશનલનેશનલ

શેખ હસીના સાચા હતા, બાંગ્લાદેશમાં તખ્તાપલટ અમેરિકાએ જ કરાવ્યો…

રાજકીય ઉથલપાથલનો શિકાર બનેલા બાંગ્લાદેશની મદદ માટે હવે અમેરિકા ખુલ્લેઆમ આગળ આવ્યું છે. અમેરિકાએ બાંગ્લાદેશની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે 202 મિલિયન ડોલરની વધારાની સહાયની જાહેરાત કરી છે.
શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ પ્રથમ વખત બાંગ્લાદેશ પહોંચેલ યુએસનું ઉચ્ચ પ્રતિનિધિમંડળ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને મળ્યું હતું અને આ સહાયની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: ડૉનાલ્ડ ટ્રમ્પની હત્યાના બીજા પ્રયાસ સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ વિક્રમ સપાટીએ

ગયા અઠવાડિયે તેમના ટેલિવિઝન સંબોધનમાં મોહમ્મદ યુનુસે દેશના અર્થતંત્રને સ્થિર કરવા માટે 5 બિલિયન ડૉલરની આંતરરાષ્ટ્રીય સહાયની અપીલ કરી હતી અને કહ્યું હતું કે બાંગ્લાદેશનું અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. યુક્રેન-રશિયા સંઘર્ષ બાદ બળતણ અને ખાદ્યપદાર્થોની આયાતમાં વધારો થયો છે અને ત્યારથી અમે પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ગયા વર્ષે શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશે પણ IMF પાસેથી 4.7 બિલિયન ડૉલરના બેલઆઉટ પેકેજની માંગણી કરી હતી.

યુએસ પ્રતિનિધિમંડળ અને વચગાળાની સરકાર વચ્ચેના કરારમાં જણાવાયું છે કે યુએસ સુશાસન, સામાજિક માનવતાવાદી અને આર્થિક તકોને સુધારવા માટે 202 મિલિયન ડોલરનું વધારાનું ભંડોળ પૂરું પાડશે. આ 2021ના કરાર જેવું જ હશે જેમાં યુએસએ 2021 અને 2026 વચ્ચે કુલ 954 મિલિયન ડૉલરની સહાયનું વચન આપ્યું હતું, જેમાંથી 425 મિલિયન ડૉલરની સહાય બાંગ્લાદેશને મળી ગઇ છે.

આ મીટિંગ પછી, યુએસ એમ્બેસીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે અમે ન્યાયી અને સારા ભવિષ્ય માટે બાંગ્લાદેશને સમર્થન આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ. વચગાળાની સરકારે દેશની અર્થવ્યવસ્થાને વધુ સારી રીતે ચલાવવા માટે અમેરિકન સમર્થન માંગ્યું હતું, જેના પગલે પ્રતિનિધિમંડળે પણ તકનીકી અને નાણાકીય સહાયની ઓફર કરીને આ પ્રયાસોને ટેકો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બાંગ્લાદેશ પહોંચેલા યુએસ પ્રતિનિધિમંડળમાં દક્ષિણ એશિયા માટેના સહાયક રાજ્ય સચિવ ડોનાલ્ડ લુનો પણ સમાવેશ થાય છે, જેઓ તેમના ભારત પ્રવાસને સમાપ્ત કર્યા પછી ઢાકા પહોંચ્યા હતા. ઘણા અહેવાલો અનુસાર, ડોનાલ્ડ લુ તે વ્યક્તિ હોવાનું કહેવાય છે જે સરકાર ઉથલાવવામાં અને તખ્તાપલટ કરાવવામાં માહેર છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પણ ડોનાલ્ડ લુ પર જ સીધો આરોપ લગાવ્યો હતો. તખ્તાપલટના થોડા દિવસ પહેલા જ શેખ હસીનાએ પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે એક મોટો પશ્ચિમી દેશ અમારી પાસે એક ટાપુ માંગી રહ્યો છે, નહીં તો તે અમારી સરકારને કામ નહીં કરવા દેવાની ધમકી આપી રહ્યો છે. જ્યારે બાંગ્લાદેશમાં હિંસક દેખાવો બાદ હસીના સરકારને ઉથલાવી દેવામાં આવી હતી, ત્યારે ઘણા અહેવાલો અનુસાર તેમાં અમેરિકાનો હાથ જવાબદાર હતો

આ પણ વાંચો: “શા માટે કોઇ બાઇડેન અને કમલા હેરિસની હત્યાનો…. ” આ શું બોલી ગયા એલોન મસ્ક

જ્યારે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશમાં સત્તા પર આવ્યા, ત્યારે અમેરિકા પર લોકોની શંકા વધુ ઘેરી બની હતી. મોહમ્મદ યુનુસને અમેરિકાના ખાસ માનવામાં આવે છે. હવે યુએસ સરકારનો એક ગુપ્ત દસ્તાવેજ પણ સાર્વજનિક થઈ ગયો છે, જે દર્શાવે છે કે શેખ હસીનાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી હટાવવાની યોજના 2019માં જ શરૂ થઈ ગઈ હતી અને ફક્ત યોગ્ય મોકાની રાહ જોવાઇ રહી હતી. અમેરિકા સ્થિત ઇન્ટરનેશનલ રિપબ્લિકન ઇન્સ્ટિટ્યૂટ (આઇઆરઆઇ) આ તખ્તાપલટમાં સામેલ હતી. આ સંસ્થાએ અગાઉ 1996માં મંગોલિયામાં, 2001માં હૈતીમાં અને 2021માં યુગાન્ડામાં સત્તાપલટો કરાવ્યો હતો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button