‘અમારી મકાઈ નહીં ખરીદો, તો….' યુએસએ ફરી ભારતને આપી આવી ધમકી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

‘અમારી મકાઈ નહીં ખરીદો, તો….’ યુએસએ ફરી ભારતને આપી આવી ધમકી

વોશિંગ્ટન ડીસી: ભારત રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરીફ લાદ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓ અવારનવાર વેપાર મામલે ભારતેને ધમકીઓ આપતા રહ્યા છે, એવામાં યુએસના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક(Howard Lutnick)એ ભારતને વધુ એક ધમકી આપી છે. તેમણે ધમકી આપી કે જો ભારત યુએસમાં પાકતી મકાઈ નહીં ખરીદે તો ભારત યુએસ માર્કેટમાં તેની પહોંચ ગુમાવી શકે છે.

એક ઈન્ટરવ્યું દરમિયાન હોવર્ડ લુટનિકે ધમકી આપી કે ભારત સરકાર યુએસ પર ટેરિફ ઘટાડશે નહીં તો ભારતને તેને મુશ્કેલી પડી શકે છે. લુટનિકે ભારત-અમેરિકા સંબંધ એકતરફી ગણાવ્યા હતાં. તેમણે કહ્યું કે “તેઓ આપણને સામાન વેચે છે અને આપણો ફાયદો ઉઠાવે છે. તેઓ આપણને તેમના અર્થતંત્રમાં પહોંચવાથી રોકે છે.”

ભારતમાં 1.4 અબજ લોકો છે તો…
ભારત પર વધુ પ્રકાર કરતા લુટનિકે કહ્યું, “ભારત બડાઈ મારે છે કે તેમના દેશમાં 1.4 અબજ લોકો છે. 1.4 અબજ લોકો એક બુશેલ (35.2 લિટરનું માપ) યુએસ મકાઈ ન ખરીદી શકે? શું તે તમને ખોટું નથી લાગતું કે તેઓ આપણને આટલો સામાન વેચે છે, અને તેઓ આપણી મકાઈ નથી ખરીદતા? તેઓ દરેક વસ્તુ પર ટેરિફ લગાવે છે.”

તેમણે વધુમાં કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે ભારત પર કડક વલણ અપનાવી રહ્યા છે. અમારી સાથે તેઓ જે રીતે વર્તશે, તેમની સામે એવો વર્તાવ કરીશું. તમે કાં તો શરતો સ્વીકારો અથવા તમને વિશ્વના સૌથી મોટા ગ્રાહક સાથે વેપાર કરવામાં મુશ્કેલી પડશે.

ભારત યુએસની મકાઈ કેમ નથી ખરીદતું?
યુએસમાં પકાતી મોટાભાગની મકાઈ જીનેટીકલી મોડીફાઇડ છે. ભારતમાં આવી મકાઈનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઇથેનોલ બનાવવા માટે જીનેટીકલી મોડીફાઇડ મકાઈ ઉગાડવાનો નીતિ આયોગનો પ્રસ્તાવ પણ પડતો મૂકવામાં આવ્યો હતો.

આપણ વાંચો:  ટેરિફ વિવાદ બાદ અમેરિકામાં ભારતની નિકાસ ઘટી, સોનાની આયાતમાં પણ ઘટાડો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button