અમેરિકાના કેન્સાસમાં ત્રણ ઘરમાંથી મળ્યા 5 મૃતદેહ, જાણો સમગ્ર બનાવ…
વિચિટા, કેન્સાસ: અમેરિકાના રાજ્ય કેન્સાસના શહેર વિચિટામાં એક જ વિસ્તારમાં ત્રણ ઘરની અંદરથી પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસનું માનવું છે કે ફાયરિંગની ઘટનાઓ પરસ્પર જોડાયેલી હોઇ શકે છે.
આ પણ વાંચો : ચીન-પાકિસ્તાન મળીને ભારત સામે રચી રહ્યા છે આ કાવતરું
પોલીસના વડા જો સુલિવને જણાવ્યું હતું કે રવિવારે મૃત હાલતમાં મળી આવેલા લોકોમાં એક સંદિગ્ધ શૂટર પણ સામેલ હતો પરંતુ તેમણે વિગતવાર જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસનું માનવું છે કે તમામ પાંચ લોકો એકબીજાને ઓળખતા હતા પરંતુ તેમના વચ્ચે શું સંબંધ હતો તેને લઇને કોઇ ખુલાસો કરાયો નથી. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે પુરુષોની ઉંમર 39 થી 68 વર્ષની વચ્ચે છે.
અધિકારીઓને સાંજે 5:44 વાગ્યે ફાયરિંગ થયાની જાણકારી મળી હતી. પોલીસને એક ઘરની અંદરથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે અધિકારીઓ થોડે દૂર આવેલા અન્ય એક ઘરમાં ગયા હતા જ્યાંથી તેમને અન્ય ત્રણ લોકોના મૃતદેહો મળ્યા હતા. પોલીસે ત્રીજા ઘરની બારીમાંથી જોયું તો પાંચમા વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : ચીનની મહિલાએ એક દિવસમાં 6 કોસ્મેટિક સર્જરી કરાવી, ભોગવું પડ્યું ગંભીર પરિણામ
સુલિવને કહ્યું કે અમારી પાસે પાંચ પીડિત છે જેમનું મોત ગોળી વાગવાથી થયું છે. અમને વિશ્વાસ છે કે તપાસમાં એ જાણવા મળશે કે આ પીડિતોમાંથી એક શૂટર હતો.