ટ્રમ્પની ભારતીય વિદ્યાર્થીઓ પર તવાઈ, યુનિવર્સિટીઓને મેમો મોકી શું કર્યું તઘલખી ફરમાન ? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ટ્રમ્પની ભારતીય વિદ્યાર્થીઓ પર તવાઈ, યુનિવર્સિટીઓને મેમો મોકી શું કર્યું તઘલખી ફરમાન ?

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 યુએસ ડોલરની ફી લાદીને યુએસમાં નોકરી મેળવવા ઈચ્છતા વિદેશી લોકોને ઝટકો આપ્યો હતો. હવે ટ્રમ્પે યુએસમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુએસની નવ અગ્રણી યુનિવર્સિટીઓને એક મેમો પાઠવ્યો (Trump administration memo to Universities) છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર કડક મર્યાદા લાદવામાં આવી છે. જેની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર થશે.

ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા યુનિવર્સિટીઓને “અ કોમ્પેક્ટ ફોર એકેડેમિક એક્સેલન્સ ઇન હાયર એજ્યુકેશન” ટાઈટલ સાથેનો 10-પોઈન્ટ્સનો મેમો પાઠવવામાં આવ્યો છે, જેમાં આંતરરાષ્ટ્રીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ એડમીશનના 15% સુધી જ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મેમો મુજબ યુનિવર્સીટી એક જ દેશના 5% થી વધુ વિદ્યાર્થીઓનો એડમિશન નહીં આપી શકે.

યુનિવર્સીટીઓને આપ્યા આવા નિર્દેશ:

યુએસના એક પ્રમુખ અખબારના અહેવાલ મુજબ યુનિવર્સિટીઓ નિર્દેશ આપવામાં આવ્યા છે કે એડમિશન કે રિક્રુટમેન્ટ માટે જાતિ અથવા લિંગને ધ્યાનમાં ન લેવી, પાંચ વર્ષ માટે ટ્યુશન ફી ફ્રીઝ કરો, જાતિ, લિંગ અને રાષ્ટ્રીયતાને આધારે એડમિશન ડેટા જાહેર કરો, પરંપરાગત વિચારોને નુકશાન પહોંચાડે એવા એવા વિભાગોને નાબૂદ કરો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અમેરિકન અને પશ્ચિમી મૂલ્યો સાથે અનુરૂપ છે કે નહીં તેની તપાસ કરો.

ભારતીય વિદ્યાર્થીઓને થશે અસર:

નોંધનીય છે કે યુએસમાં અભ્યાસ કારતા કુલ વિદેશી વિદ્યાર્થીઓના 70 ટકા વિદ્યાર્થીઓ ભારત અને ચીનના છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આ નવા મેમોને કારણે આ બંને દેશોના વિદ્યાર્થીઓને ગંભીર અસર પડશે.

આ યુનિવર્સીટીઓને અપાયો મેમો:

MIT, બ્રાઉન, ડાર્ટમાઉથ, યુનિવર્સિટી ઓફ એરિઝોના, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ, યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અને વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીને આ મેમો મોકલવામાં આવ્યો છે.

ટ્રમ્પ વહીવટીતંત્રના આ મેમોનું પાલન ન કરનાર યુનિવર્સીટીઓને મળતા ફેડરલ ભંડોળમાં ભારે કાપ મુકવામાં આવી શકે છે. આ નવ યુનિવર્સિટીઓને જ શા માટે મેમો પાઠવવામાં આવ્યો એ અંગે વ્હાઇટ હાઉસે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચો…ટ્રમ્પે હમાસને આપી દીધી છેલ્લી ચેતવણી! ગાઝા પર નિયત્રંણ નહીં છોડે તો થશે મહાવિનાશ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button