ઇન્ટરનેશનલ

ઈરાનમાં “ડેથ ટુ ડિક્ટેટર”ના નારા સાથે હિંસક પ્રદર્શન: ફાયરિંગમાં 6નાં મોત, અમેરિકાએ આપી ચેતવણી…

તહેરાન/વોશિંગ્ટન: ઈરાનમાં સરકાર વિરોધી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈ અમેરિકાએ સૌથી મોટી ચેતવણી આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આ જ પ્રકારે સરકાર જો પ્રદર્શનકારીઓને મારતી રહી તો તેમને બચાવવા માટે અમેરિકા આવશે. અત્યાર સુધી હિંસક પ્રદર્શન વચ્ચે પોલીસ ફાયરિંગમાં છ લોકોનાં મોત થયા છે.

અત્યારે ઈરાનમાં ખામેની સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. આર્થિક તંગી અને સરમુખત્યારશાહી વિરુદ્ધ છેલ્લા છ દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિરોધ પ્રદર્શનોમાં પ્રદર્શનકારીઓ “ડેથ ટુ ડિક્ટેટર” અને “મુલ્લા દેશ છોડો”ના નારા લગાવી રહ્યા છે. આ જનઆંદોલનમાં સિક્યુરિટી ફોર્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણો વધી છે. પરિણામે હવે જનઆંદોલને હિંસક વળાંક લીધો છે. ઈરાનમાં ફાટી નીકળેલી હિંસાને લઈને અમેરિકાએ ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

અમેરિકા પ્રદર્શનકારીઓના રક્ષણ માટે તૈયાર છે

ઈરાનમાં સિક્યુરિટી ફોર્સ અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. આંતરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ કુહાદશ્ત અને મારવદાશ્ત ખાતે સુરક્ષા દળોના સીધા ગોળીબારમાં નાગરિકોના મોત થયા છે. અઝના ખાતે પોલીસ હેડક્વાર્ટર પર થયેલા હુમલામાં 3 લોકોના મોત અને 17 લોકો ઘાયલ થયા છે. વધતી હિંસાને પગલે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાની પ્રશાસને ઇન્ટરનેટ સેવાઓ ઠપ્પ કરી દીધી છે અને મોટા પાયે ધરપકડ શરૂ કરી છે.

Iranian Security Forces

અમેરિકાના વિદેશ મંત્રાલયે ઈરાનમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને જનતાનો વાજબી ગુસ્સો ગણાવ્યો હતો. અમેરિકાના મતે ઈરાની શાસને દાયકાઓ સુધી કૃષિ, પાણી અને વીજળી જેવા પાયાના પ્રશ્નોની અવગણના કરી છે. આ ઉપરાંત જનતાના પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓ અને પરમાણુ શસ્ત્રોના સંશોધન પાછળ ખર્ચ્યા છે. આ સાથે અમેરિકા પ્રદર્શનકારીઓના પક્ષમાં આવીને ઊભું રહ્યું છે.

ઈરાનમાં ફાટી નીકળેલી હિંસાને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાની સરકારને સીધી ધમકી આપતા કહ્યું છે કે જો શાંતિપૂર્ણ રીતે જનઆંદોલન કરતા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવશે તો અમેરિકા તેમનું રક્ષણ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે લખ્યું છે કે We are locked and loaded and ready to go. ટ્રમ્પનું આ વાક્ય એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકન લશ્કર કોઈ પણ સમયે હસ્તક્ષેપ કરવા સજ્જ છે.

પ્રદર્શનકારીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ

ઈરાનના ન્યાયિક અધિકારીઓએ પ્રદર્શનકારીઓને “તોફાનીઓ” ગણાવ્યા છે અને તેમની સામે કડક ન્યાયિક કાર્યવાહીના આદેશ આપ્યા છે. લો રેસ્તાન પ્રાંતના ચીફ જસ્ટીસ સઈદાઈ શાહ હવારીએ જણાવ્યું હતું કે, જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનારાઓને છોડવામાં આવશે નહીં.

આ પણ વાંચો…‘…તો અમે તૈયાર છીએ’ ઈરાન પર હુમલો કરવાની ટ્રમ્પની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, ઈરાનમાં થઈ રહેલું જનઆંદોલન હવે માત્ર આર્થિક મુદ્દા પૂરતું સીમિત રહ્યુ નથી, પરંતુ ખામેનીનું શાસન ઉથલાવવાના અભિયાનમાં પરિવર્તિત થઈ ગયું છે. એવા સંજોગોમાં અમેરિકાની ચેતવણી નવા યુદ્ધને આમંત્રણ આપવા સમાન પુરવાર થઈ શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button