અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ પત્ની ઉષાને કર્યું ધર્મ પરિવર્તન માટે દબાણ? વિવાદ વકરતા કરી આવી સ્પષ્ટતા

વોશિંગટન ડીસી: લગ્ન બાદ સ્ત્રીની અટક, સરનામું અને બીજુ અનેક બાબતો બદલાતી હોય છે. જો અન્ય ધર્મના યુવક સાથે લગ્ન થાય તો ધર્મ પણ બદલાતો હોય છે. જોકે, સ્ત્રી આ રીતે સ્વૈચ્છાએ ધર્મ પરિવર્તન કરે તો કોઈ વાંધો ઊભો થતો નથી. પરંતુ સ્ત્રીની મરજી વિરૂદ્ધ ધર્મ પરિવર્તન કરાવવામાં આવે તો તે વિવાદનું ઊભો થતો હોય છે. જોકે, આ મુદ્દો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના ઘરમાં જ ઊભો થયો છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.
મારી પત્ની મારા દૃષ્ટિકોણથી જુએ
તાજેતરમાં અમેરિકામાં એક સાર્વજનિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે પોતાની પત્ની ઉષા વેંસને ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરતું નિવેદન આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે જણાવ્યું હતું કે, “હું આશા રાખું છું કે આખરે તે કોઈ રીતે ચર્ચથી પ્રભાવિત થઈ જાય. હા, સાચું કહું તો હું એવું ઈચ્છું છું. કારણ કે હું ઈસાઈ ધર્મના ઉપદેશમાં વિશ્વાસ રાખું છુ અને મને આશા છે કે આખરે મારી પત્ની પણ તેને આ દૃષ્ટિકોણથી જોશે. જો તે આવું નથી કરતી, તો ભગવાન કહે છે કે, દરેકની પાસે સ્વતંત્ર ઈચ્છાશક્તિ હોય છે. તેથી મને તેનાથી કોઈ તકલીફ નથી થતી.”
જેડી વેંસના આ નિવેદનને લોકો ધર્મ પરિવર્તન કરાવવાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે. જેની સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ અંગે જાતભાતની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સની કોમેન્ટ પર તો જેડી વેંસે રોષે ભરાઈને પોતાના નિવેદનને લઈને સ્પષ્ટતા આપવા માટે મજબૂર થઈ ગયા છે. જેડી વેંસના આ નિવેદનને લઈને એક અમેરિકન પત્રકારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “ખ્રિસ્તી રાષ્ટ્રવાદીઓમાં પોતાની સ્વીકૃતિ વધારવા માટે સાર્વજનિક રીતે પોતાની પત્નીના ધર્મનો નીચો દેખાડી રહ્યા છે. આ કેટલું વિચિત્ર છે.”
મારી પત્ની સૌથી અદ્ભૂત આશીર્વાદ છે: જેડી વેંસ
એક પત્રકારની આ ટિપ્પણીનો જવાબ આપતા જેડી વેંસે એક્સ પર લખ્યું કે, “આ કેટલી ઘૃણાસ્પદ ટિપ્પણી છે. આવી અનેક ટિપ્પણીઓ છે. સૌ પ્રથમ, મારી ડાબી બાજુ બેસેલી વ્યક્તિએ મારા આંતરધાર્મિક લગ્ન વિશે આ પ્રશ્ન પૂછ્યો હતો. હું સાર્વજનિક વ્યક્તિ છું અને લોકો એ જાણવા ઉત્સૂક હોય છે. હું આ પ્રશ્નથી બચી શકું તેમ ન હતો. બીજી વાત, મારો ઈસાઈ ધર્મ મને જણાવે છે કે તેનો ઉપદેશ સત્ય છે અને માણસો માટે સારો છે.
મેં જેવું TPUSAમાં કહ્યું હતું તેમ- મારી પત્ની મારા જીવનનો સૌથી અદ્ભૂત આશીર્વાદ છે. ઘણા વર્ષો પહેલા તેણે મને પહેલા પોતાના ધર્મમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. તે ઈસાઈ નથી અને તેનો ધર્મ પરિવર્તન કરવાનો કોઈ ઈરાદો નથી. પરંતુ આંતરધાર્મિક લગ્ન અથવા કોઈ પણ આંતરધાર્મિક સંબંધમાં રહેવાવાળા લોકોની જેમ મને આશા છે કે એક દિવસ તે પણ આ વસ્તુઓને મારી નજરથી જોશે. તેમ છતાં, હું તેને પ્રેમ અને સમર્થન કરતો રહીશ અને તેનાથી શ્રદ્ધા, જીવન અને બાકીની તમામ બાબતો અંગે વાત કરતો રહીશ, કારણ કે તે મારી પત્ની છે.”
જેડી વેંસે આગળ જણાવ્યું કે, “આવી પોસ્ટ ઈસાઈ-વિરોધી કટ્ટરતાને પ્રોત્સાહન આપે છે. હા, ઈસાઈઓની પણ પોતાની માન્યતાઓ હોય છે અને હા, આ માન્યતાઓના ઘણા પરિણામ હોય છે. જે પૈકી એક આ છે કે, અમે એકબીજા સાથે શેર કરવા ઈચ્છી છીએ. આ સાવ સામાન્ય વાત છે અને જે કોઈ તેને આનાથી ઉલટી રીતે જણાવી રહ્યું છે, એનો કોઈ એજન્ડા જરૂર હશે.”



