અમેરિકા-વેનેઝુએલા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ: પ્રશાંત મહાસાગરમાં ડ્રગ્સના જહાજ પર અમેરિકી હુમલો, ચારનાં મોત

વોશિંગ્ટનઃ દુનિયા પર અત્યારે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે પણ અત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં યુદ્ધના ભણકાર સંભળાઈ રહ્યાં છે. અમેરિકાની સેનાનું કહેવું છે કે, પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં એક જહાજ પર હુમલો થયો હતો તેમાં ચાર લોકોના મોત થયાં છે. કથિત રીતે ડ્રગ્સની હેરફેર કરનારા જહાજ પર હુમલો કર્યો હોવાનો અમેરિકી સેનાએ દાવો કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વેનેઝુએલાએ પણ પોતાના નૌકાદળને બંદર પરથી પેટ્રોલિયમ ઉત્પાદનો લઈ જતા જહાજોને એસ્કોર્ટ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે તણાવ વધ્યો છે.
પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં અમેરિકા આકરા પાણીએ
અમેરિકી સેનાએ પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં થયેલા હુમલા અંગે જાણકારી આપતા દાવો કર્યો છે કે, ડ્રગ્સની તસ્કરી કરતી બોટ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયાં છે. એક્સ પર પોસ્ટ કરતા અમેરિકી સેનાએ લખ્યું હતું કે 17 ડિસેમ્બરે પીટ હેગસેથના નિર્દેશ પર જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયરે આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્રમાં એક નિયુક્ત આતંકવાદી સંગઠન દ્વારા સંચાલિત જહાજ પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં અમેરિકાનો કોઈ સૈનિક ઘાયલ નથી થયાં, પરંતુ સામે પક્ષે ચાર લોકોના મોત થયાં છે.
છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકાનો આ બીજો હુમલો
મહત્વની વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયામાં આ બીજો હુમલો છે. આ પહેલા સોમવારે પણ અમેરિકી સેનાએ પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં ડ્રગ્સ તસ્કરી કરતી ત્રણ બોટ પર હુમલો કર્યો હતો, જેમાં કુલ આઠ લોકો માર્યા ગયાં હતાં. આ કાર્યવાહીને અમેરિકા ઓપરેશન સધર્ન સ્પીયરનો ભાગ ગણાવી રહ્યું છે. ઓપરેશન સધર્ન સ્પીયર અંતર્ગત સપ્ટેમ્બર 2025થી અત્યાર સુધીમાં કુલ 26 બોટ પર હુમલા કરવામાં આવ્યો છે, જેમાં કુલ મળીને 99 લોકોના મોત થયાં છે.
નૌકાદળને તેલ ટેન્કરોને એસ્કોર્ટ કરવાનો આદેશ
અમેરિકાની આ હરકતના કારણે વેનેઝુએલા આક્રમક થઈ રહ્યું હોવાના અહેવાલો મળ્યાં છે. વેનેઝુએલાની સરકારે તેલ ટેન્કરોની સંપૂર્ણ નાકાબંધીની જાહેરાત કર્યા પછી, તેની નૌકાદળને તેલ ટેન્કરોને એસ્કોર્ટ કરવાનો આદેશ પણ આપી દીધો છે. ટ્રમ્પે પણ વેનેઝુએલાથી તેલ લઈ જતા જહાજો પર સંપૂર્ણ નાકાબંધીની જાહેરાત કરી છે. જેના કારણે વેનેઝુએલાને મોટો ફટકો પડવાનો છે. પરંતુ અમેરિકાના આ નિર્ણય સામે વેનેજઝુએલાએ નૌકાદળને તેલ ટેન્કરોને એસ્કોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. મતલબ કે વેનેઝુએલા પર અમેરિકા સામે નમતી નાખવા માટે તૈયાર નથી.
અમેરિકા-વેનેઝુએલાને સંયુક્ત રાષ્ટ્રે શું સલાહ આપી?
આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, વેનેઝૂએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની સરકારને એક વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે, જે ડ્રગ્સ તસ્કરી અને માનવ તસ્કરીમાં સામેલ હતું, જેથી વેનેઝુએલાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અમેરિકાની આ હરકત સામે ચર્ચા કરવાની માંગણી કરી છે. સંયુક્ત રાષ્ટ્રે બંને દેશોને તણાવ ઓછો કરવા માટે અનુરોધ કર્યો અને સાથે સાથે બંને દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પોતાની જવાબદારીઓનું સન્માન કરવા વિનંતી કરી હતી.



