અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને શું આપ્યો ઝટકો? જાણો કઈ માંગ ફગાવી

ન્યૂ યોર્કઃ અમેરિકાની સુપ્રીમ કોર્ટે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સજા પર રોક લગાવવા અંતિમ સમયે કરવામાં આવેલી અરજી નકારી કાઢી હતી. ટ્રમ્પની અરજીને કોર્ટે 5-4 વોટથી નકારી હતી. એક એડલ્ટ સ્ટારને ગુપ્ત રીતે પૈસા આપવાના કેસમાં ન્યૂ યોર્ક કોર્ટના નિર્ણય સામે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ટ્રમ્પના વકીલોએ સજા પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરતાં કહ્યું, રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવાની તેમની તૈયારીઓમાં અવરોધ આવી શકે છે.
ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. ગત વર્ષે મે મહિનામાં ટ્રમ્પને 34 ગુનાઓમાં દોષિ જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે આરોપો નકારી કાઢ્યા હતા. ટ્રમ્પના વકીલે ગઈકાલે કહ્યું હતું કે, મોટા અન્યાયને રોકવા અને રાષ્ટ્રપતિના પદની ગરિમાને નુકસાન પહોંચાડનારા ફેંસલો ન આપવો જોઈએ. ન્યાયાધીશ મર્ચને પણ ટ્રમ્પને જેલની સજા, આર્થિક દંડ લગાવવાની કે પછી આકરી સજા નહીં સંભળાવે તેવો સંકેત આપ્યો હતો.
Also read: હશમની કેસમાં રાહત માટે ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, વકીલોએ આપી આવી દલીલ
શું છે મામલો
‘હશમની’નો આ કેસ એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ જોડાયેલો છે. ટ્રમ્પે એડલ્ટ સ્ટારને ચૂપ રહેવા પૈસા આપ્યા હોવાનો આરોપ છે. ફરિયાદીઓનું કહેવું છે કે 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 1,30,000 ડોલર ચૂકવ્યાની વાત છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડેનિયલ્સે ટ્રમ્પ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પે આરોપોને નકારી કાઢ્યા હતા.