ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક બાદ એક ચોંકાવનારા નિર્ણયો લઈ રહ્યા છે. યુનિવર્સિટી બાદ હવે તેમણે વિદેશી વિદ્યાર્થીઓને ઝટકો આપ્યો છે. ટ્રમ્પ સરકારે અમેરિકન વાણિજ્ય દૂતાવાસોને નવો નિર્દેશ જાહેર કર્યો છે. જે હેઠળ તાત્કાલિક અસરથી વિદ્યાર્થી (એફ), વ્યવસાયિક (એમ) અને એક્સચેન્જ વિઝિટર (જે) વિઝા ઈન્ટરવ્યૂની નવી અપોઈન્ટમેન્ટ પર રોક લગાવવામાં આવી છે.
આ પગલું વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપાક યોજનાનો હિસ્સો છે.
ટ્રમ્પ સરકારે તમામ વિદ્યાર્થીઓ અને એક્સચેંજ વિઝિટર વિઝા અરજીકર્તાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કરવાનો પ્લાન બનાવ્યો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થી એક એક્સચેન્જ વિઝિટર વિઝા ઈન્ટરવ્યૂની અપોઇન્ટમેન્ટ શિડ્યુલ ન કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણય તાજેતરના મહિનાઓમાં ઇઝરાયલ અને ગાઝા અંગે અમેરિકન કેમ્પસમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પગલે લેવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ટ્રમ્પ તંત્રના આ નિર્ણયથી વિઝા મળવામાં વિલંબ થઈ શકે છે. જેનાથી યુનિવર્સિટીઓને પણ અસર થશે. અમેરિકામાં છેલ્લા 10 વર્ષથી ભણતા વિદ્યાર્થીઓ દ્વારા આશરે 43.8 અબજ ડૉલરની તગડી કમાણી કરી હતી. ઘણી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓની ફી પર નિર્ભર રહે છે, તેમને મોટ ફટકો લાગશે. અમેરિકા દ્વારા તમામ વિદ્યાર્થીઓની સોશિયલ મીડિયા પોસ્ટ, લાઇક, કમેન્ટ અને શેર પર નજર રાખવામાં આવશે. જેમાં ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, ફેસબુક અને એક્સ એકાઉન્ટ સામેલ છે. જો તેમાંની કોઈપણ ટિપ્પણી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો લાગશે તો વિઝા અરજી કરવામાં આવશે.
આપણ વાંચો: ચીનના કેમિકલ પ્લાન્ટમાં જોરદાર વિસ્ફોટ બાદ મશરૂમ ક્લાઉડ સર્જાયું , પાંચના મોત 19 લોકો ઘાયલ
ભારતીય વિદ્યાર્થીઓમાં સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જવાનું ચલણ ઘટયું હોવા છતાં પણ ખૂબ જ ઊંચું છે. જોકે, અનેક વખત સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશનારા વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજરી આપતા નથી, ડ્રોપઆઉટ લઈ લે છે. જોકે, ભારતમાં અમેરિકન દૂતાવાસે આવા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. દૂતાવાસે કહ્યું કે, અમેરિકામાં અભ્યાસ માટેનો વિઝા લઈને યુનિવર્સિટીના ક્લાસમાં નિયમિત હાજરી નહીં આપનારા વિદ્યાર્થીઓના વિઝા રદ કરી દેવાશે અને તેમના પર કાયમી ધોરણે પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. અમેરિકન દૂતાવાસે મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના એકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં વિદ્યાર્થીઓને વિઝાની શરતોને વળગી રહેવા અને કોઈપણ મુશ્કેલી ટાળવા માટે તેમનો વિદ્યાર્થીનો દરજ્જો જાળવી રાખવા જણાવાયું હતું.