અમેરિકા રશિયા વચ્ચે ઘર્ષણના એંધાણ: US નેવીએ રશિયન ઓઈલ ટેન્કરને પકડ્યું

એટલાન્ટિકઃ એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આઈસલેન્ડની નજીક અમેરિકી નેવી અને કોસ્ટ ગાર્ડ દ્વારા રશિયન ઝંડો ધરાવતા વિશાળ તેલ ટેન્કર ‘મરીનેરા’ને અમેરિકા દ્વારા કબ્જે લેવામાં આવ્યાં છે. આ ‘મરીનેરા’ને વેનેઝુએલા સાથેના તેલ વેપાર સાથે જોડાયેલું માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ હાઈ-વોલ્ટેજ સમુદ્રી ઓપરેશન દરમિયાન રશિયાની એક પનડૂબી અને એક યુદ્ધપોત પણ ત્યાં નજરે પડ્યા છે, જો કે, તેના નિશ્ચિત સ્થાન વિશે કોઈ જાણકારી મળી નહોતી.
એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકાએ અઠવાડિયા સુધી ટ્રેકિંગ કર્યું
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયન ટેન્કર રાતોરાત પકડાઈ શક્યું નથી, પરંતુ એટલાન્ટિક મહાસાગરમાં અઠવાડિયા સુધી તેનું ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. આ ટેન્કર અગાઉ યુએસ દરિયાઈ “નાકાબંધી” ટાળી ચૂક્યું હતું અને યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા જહાજ પર ચઢવા અને તેનું નિરીક્ષણ કરવા માટે વારંવાર સૂચનાઓ અને વિનંતીઓનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પકડાઈ જવાના ડરથી જહાજે તેની ઓળખ છુપાવવા માટે તેનો ધ્વજ અને નોંધણી બદલી નાખી હોવાનો પણ આરોપ છે.
કેવી રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું?
U.S. European Command દ્વારા સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ પ્રમાણે, યુએસ પ્રતિબંધોના ઉલ્લંઘન બદલ M/V બેલા 1 ને જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. . USCGC મુનરો દ્વારા ટ્રેક કરવામાં આવ્યા બાદ યુએસ ફેડરલ કોર્ટ દ્વારા જારી કરાયેલ વોરંટ અનુસાર ઉત્તર એટલાન્ટિકમાં આ જહાજ જપ્ત કરવામાં આવ્યું છે. એટલે કે આ જહાજ જે બેલા-1 નામથી ચાલતું હતું પછી તેનું નામ બદલીને ‘મરીનેરા’ રાખવામાં આવ્યું અને તેના પર રશિયન ધ્વજ લગાવી દેવામાં આવ્યો હતો. આ જહાજે વેનેઝુએલા પર લાગેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે તેવો અમેરિકાએ આરોપ લગાવ્યો છે.
USના ઓપરેશનને બ્રિટનનો ટેકો મહત્વપૂર્ણ મળ્યો
અમેરિકાના ઓપરેશનને બ્રિટનનો ટેકો મહત્વપૂર્ણ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓપરેશન યુએસ કોસ્ટ ગાર્ડ અને યુએસ આર્મી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બ્રિટને લોન્ચપેડ તરીકે તેની જમીન પૂરી પાડી હતી. ટેન્કરને કબજે કરવા માટે મિશન માટે બ્રિટિશ હવાઈ મથકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમ જેમ રશિયન ટેન્કર આઇસલેન્ડ અને બ્રિટન વચ્ચેના પાણીમાં પસાર થયું, તેમ તેમ રોયલ એર ફોર્સ (RAF) સર્વેલન્સ એરક્રાફ્ટ તેની ગતિવિધિઓનું સતત નિરીક્ષણ કરતું રહ્યું હતું. જેથી બ્રિટને મહત્વનો ટેકો આપ્યો છે, તેવું ચોક્કસપણે માની શકાય!



