યુએસ ઈરાનના પરમાણુ મથકો અને નેતાઓ પર હુમલા કરી શકે છે! ઈરાને આપી વળતા જવાબની ચેતવણી

વોશિંગ્ટન ડીસી: મધ્યપૂર્વમાં વધુ એક સશસ્ત્ર સંઘર્ષ શરુ થવાની શક્યતા છે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન એકબીજા સામે સતત ધમકી આપી રહ્યા છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે યુએસ ફોર્સીઝ તેના કટ્ટર શત્રુ પર હુમલો કરવા માટે “તૈયાર, ઇચ્છુક અને સક્ષમ” છે. બીજી તરફ ઈરાને યુએસની કોઈ પણ કાર્યવાહીનો “કડક જવાબ” આપવાની ચેતવણી આપી છે.
યુએસ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે પરમાણુ કરાર માટે સમય સમાપ્ત થઈ રહ્યો છે.
ટ્રમ્પને સામે હુમલાનો પ્લાન રજુ કરવામાં આવ્યો:
અહેવાલ મુજબ યુએસ સેનાએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઇરાન સામે લશ્કરી કર્યવાહી માટેના વિકલ્પોનો વિસ્તૃત પ્લાન રજુ કર્યો છે, જેમાં ન્યુક્લિયર ફેસિલિટી પર કમાન્ડો ઓપરેશન, સરકારમાં પલટવા માટે નેતાઓ પર હુમલો અને બેલિસ્ટિક મિસાઇલ યુનિટ પર હુમલા જેવી યોજનાનો સમાવેશ થાય છે.
પત્રકારો સાથે વાત કરતા એક નિવેદનમાં ટ્રમ્પે કહ્યું, “અત્યારે આપણા કેટલાક શક્તિશાળી જહાજો ઈરાન તરફ જઈ રહ્યા છે. તેનો ઉપયોગ ન કરવો પડે તો સારું રહેશે મેં તેમને ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરવા અને પ્રદર્શનકારીઓની હત્યા બંધ કરવા કહ્યું. તેઓ હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓને મારી રહ્યા છે. મેં બે અઠવાડિયા પહેલા 837 ફાંસી અટકાવી હતી.”
ઈરાન કડક જવાની ચેતવણી આપી:
ઈરાને જણાવ્યું કે યુએસના કોઈ પણ હુમલાનો જવાબ મધ્ય પૂર્વમાં તૈનાત હજારો અમેરિકન સૈનિકોમાંથી કેટલાકને નિશાન બનાવીને આપવા આવશે. ઈરાન સૈન્ય પ્રવક્તાએ ચેતવણી આપી છે કે યુએસના કેટલાક બેઝ તેમની મીડીયમ-રેજની મિસાઇલોના રેન્જમાં છે.
ઈરાની સેનાના વડા અમીર હતામીએ એક ટીવી ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેમના કોમ્બેક્ટ યુનિટમાં 1,000 સ્ટ્રેટેજિક ડ્રોન ઉમેરવામાં આવ્યા છે.
રિવોલ્યુશનરી ગાર્ડ્સ આતંકવાદી સંગઠન!
યુકે સ્થિત ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)ની કુદ્સ ફોર્સે કેટલાક પ્રોક્સી જૂથો સાથે મળીને 8 અને 9 જાન્યુઆરીએ ઈરાનમાં ખામેની વિરોધી પ્રદર્શનોમાં સામેલ લોકોની હત્યામાં ભૂમિકા ભજવી હતી. યુરોપિયન યુનિયન ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
ઈરાનના નિર્વાસિત રાજકુમાર રેઝા પહલવીએ યુરોપિયન યુનિયન આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. જ્યારે ઈરાન સરકારે આ પગલાનો વિરોધ કર્યો છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ EUના નિર્ણયને “પીઆર સ્ટંટ” ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પ્રતિબંધોને કારણે પેટ્રોલીયમના ભાવમાં વધારો થશે તો યુરોપને અસર થશે.



