…તો ગાઝામાં આ કારણસર થશે હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ

વોશિંગ્ટન: પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ અને ઇઝરાયલ વચ્ચે ગાઝામાં સંઘર્ષ થોડા દિવસો માટે અટકી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે કતારની મધ્યસ્થીથી ગાઝામાં પાંચ દિવસના યુદ્ધવિરામ પર સહમતિ બની છે. અમેરિકાના અગ્રણી અખબારના દાવા અનુસાર ઈઝરાયલ અને હમાસે ડઝનબંધ બંધકોને મુક્ત કરવા માટે અસ્થાયી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ઇઝરાયલ, યુનાઇટેડ સ્ટેટ્સ અને હમાસ લડાઇમાં પાંચ દિવસના વિરામના બદલામાં ગાઝામાં બંધક બનાવેલી ડઝનેક મહિલાઓ અને બાળકોને મુક્ત કરવા માટે હંગામી કરાર માટે સંમત થયા હતા. આ સોદામાં પરોક્ષ રીતે સામેલ લોકોએ આ અખબારને જણાવ્યું હતું. વિગતવાર છ પાનાના કરારના ભાગરૂપે તમામ પક્ષો ઓછામાં ઓછા પાંચ દિવસ માટે લડાઇ કામગીરી અટકાવશે. પ્રારંભિક 50 કે તેથી વધુ બંધકોને દર 24 કલાકે નાના જૂથમાં મુક્ત કરવામાં આવશે.
અખબારના જણાવ્યા અનુસાર અરબ અને અન્ય રાજદ્વારીઓએ જણાવ્યું હતું કે કતારની રાજધાની દોહામાં કેટલાંક અઠવાડિયાની વાતચીત બાદ કરારની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. કતાર દ્વારા મધ્યસ્થી કરાયેલા આ કરાર દરમિયાન દોહામાં થયેલી વાતચીતમાં ઈઝરાયલ, અમેરિકા અને હમાસના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અમેરિકન અખબારના દાવા અનુસાર કે વ્હાઇટ હાઉસ અથવા ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલય તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા મળી નથી.