અમેરિકા અને ઈરાન આમને સામને, ટ્રમ્પની પરમાણુ સ્થળો ઉડાવવાની ધમકીનો ઇરાને આપ્યો જવાબ…

તહેરાન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું શાબ્દિક યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનના પરમાણુ સ્થળો ઉડાવી દેવાની આપેલી આડકતરી ધમકીનો ઇરાને જવાબ આપ્યો છે. ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીને ટ્રમ્પના નિવેદનને રેડ લાઇન ગણાવી અને કહ્યું કે તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ વાટાઘાટો ચાલી રહી છે.
ઈરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરી શકે છે
ઈરાની અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે. ‘જો અમેરિકા રાજદ્વારી ઉકેલ ઇચ્છે છે, તો તેણે ધમકીઓ અને પ્રતિબંધોની ભાષા છોડી દેવી પડશે. આવી ધમકીઓ ઈરાનના રાષ્ટ્રીય હિતો માટે ખુલ્લી દુશ્મનાવટ સમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ આવી ચેતવણીઓ આપી છે કે જો રાજદ્વારી પ્રયાસ નિષ્ફળ જાય તો તે ઈરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો કરી શકે છે.
જોકે, શુક્રવારે, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં ઈરાન સાથે પરમાણુ કરાર શક્ય છે. આ પહેલા, સાઉદી અરેબિયાએ ઈરાનને ચેતવણી આપી હતી. સાઉદી અરેબિયાના સંરક્ષણ પ્રધાન પ્રિન્સ ખાલિદ બિન સલમાને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની સાથેની મુલાકાત દરમિયાન તેમને ચેતવણી આપી હતી કે પરમાણુ કરાર પર ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતને ગંભીરતાથી લે નહીં તો ઈઝરાયલ સાથે યુદ્ધ માટે તૈયાર રહે.
ઇઝરાયલને ઈરાન પર હુમલો ટાળવાનું કહ્યું
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેમણે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને ઈરાન પર હુમલો કરવાનું ટાળવા કહ્યું છે જેથી યુએસ વહીવટીતંત્રને તેહરાન સાથે નવા પરમાણુ કરાર પર આગળ વધવા માટે વધુ સમય મળે. બુધવારે ટ્રમ્પની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે યુએન પરમાણુ નિરીક્ષક સંસ્થાના વડાએ કહ્યું હતું કે ઈરાનના ઝડપથી વિસ્તરતા પરમાણુ કાર્યક્રમ પર ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.