ઇન્ટરનેશનલ

ઈરાન સાથે વેપાર કરતા દેશો પર યુએસનો ટેરિફ લાગતા ભારતને શું અસર થશે?

નવી દિલ્હી: ઈરાનમાં અલી ખામેનીનાં ઇસ્લામિક શાસન સામે જનતાએ બળવો પોકાર્યો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન પર લશ્કરી કાર્યવાહીની ધમકી આપી ચુક્યા છે. એ પહેલા ટ્રમ્પે ઈરાનના વેપાર ભાગીદારોને નિશાન બનાવ્યા છે. ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેના કરાણે ભારત સહીત બ્રાઝીલ,ચીન, રશિયા જેવા દેશોને અસર થઇ શકે છે.

ટ્રમ્પે પોતાની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું “ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન સાથે વેપાર કરનાર કોઈપણ દેશ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સાથે વેપાર પર 25 ટકા ટેરિફ લાગુ કરવા આવે છે, જે તાત્કાલિક અમલમાં આવશે. આ આદેશ અંતિમ અને નિર્ણાયક છે, આ બાબત તરફ ધ્યાન આપવા બદલ આભાર.”

ભારતને શું અસર થશે?

ઈરાનનો સૌથી મોટો વેપારી ભાગીદાર દેશ ચીનને છે, યુએસના આ નવા ટેરીફની સૌથી વધુ અસર ચીન પર પડશે. આ ઉપરાંત ભારત, યુનાઇટેડ આરબ અમીરાત અને તુર્કી પર પણ મોટી અસર પડશે

નોંધનીય છે કે ઈરાન વર્ષોથી ભારતનો મિત્ર દેશ રહ્યો છે, ભરત ઈરાનના મુખ્ય વેપારી ભાગીદારોમાંનો એક છે. અહેવાલ મુજબ ભારતે નાણાકીય વર્ષ 2024-25માં ઈરાનમાં $1.24 બિલિયનની નિકાસ કરી હતી, જ્યારે તેણે $0.44 બિલિયનના માલની આયાત કરી હતી, બંને દેશો વચ્ચે કુલ $1.68 બિલિયનનો વેપાર થયો હતો.

અહેવાલ મુજબ, ભારત-ઈરાન વેપારમાં મોટો હિસ્સો કાર્બનિક રસાયણો($512.92 મિલિયનના)નો હતો, બંને દેશો વચ્ચે ખાદ્ય ફળો, બદામ, સાઇટ્રસ ફળોની છાલ, ઇંધણ, તેલનો સમાવેશ થાય છે.

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં રશિયન પેટ્રોલિયમ ખરીદવા બદલ યુએએ ભારત 50 ટકા સુધીનો ટેક્સ લાદ્યો હતો, જેને કારણે ભારતીય નિકાસકારો અને ઉદ્યોગોને ફટકો પડ્યો છે. હવે ઈરાન સાથેનાં વેપારને કારણે વધુ 25 ટકા ટેરીફ લાગતા ભારતીય વેપારીઓને વધુ નુકશાન થઇ શકે છે

ભારત અને યુએસના અધિકારીઓ મહિનાઓથી એક વેપાર સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

ઈરાન પર યુએસની સંભવિત લશ્કરી કાર્યવાહી:

ઈરાનમાં મોટા પાયે સત્તા વિરોધી પ્રદર્શનો ચાલુ થયા ત્યારે ટ્રમ્પે ધમકી આપી હતી કે સરકાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરશે તો યુએસ લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકે છે. હવે પ્રદર્શનો દરમિયાન500 થી વધુ પ્રદર્શનકારીઓ મોત થયા છે, ત્યારે યુએસએ લશ્કરી કાર્યવાહી માટે તૈયારીઓ શરુ કરી છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે સોમવારે જણાવ્યું હતું કે, “એર સ્ટ્રાઈક અમારી પાસે રહેલા ઘણા વિકલ્પોમાંથી એક છે.”

બીજી તરફ લીવિટે એમ પણ જણાવ્યું કે ઈરાન પાસે ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાટાઘાટો કરવાનો વિકલ્પ પણ છે. તેમણે કહ્યું કે ઈરાનો સ્વર જાહેર નિવેદનો કરતાં ખાનગીમાં ખુબ અલગ પ્રકારનો છે.

આ પણ વાંચો…ઈરાન પર અમેરિકાની આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક: વેપાર પર 25 ટકા ટેક્સ લાદવાની જાહેરાત, નાગરિકોને તાત્કાલિક દેશ છોડવા આદેશ

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button