અમેરિકામાં 1 લાખથી યુએસ ફેડરલ કર્મચારીઓની નોકરી જોખમમાં, જાણો શું છે કારણ…

વોશિંગ્ટન ડીસી, અમેરિકાઃ મંગળવારે સરકારી શટડાઉન નજીક આવી રહ્યું હોવાથી યુએસ સરકાર 100,000 થી વધુ ફેડરલ કર્મચારીઓ ગુમાવી શકે છે. મહત્વની વાત એ છે કે, જો કોંગ્રેસમાં સમજૂતી ન થાય તો મંગળવારથી વધુમાં વધુ 1 લાખથી પણ વધારે ફેડરલ કર્મચારી પોતાની નોકરી ગુમાવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વિવિધ એજન્સીઓને મોટી છટણી માટે તૈયાર રહેવા માટે પણ કહ્યું છે. નિષ્ણાતો આ સંજોગોને અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી ગણાવી રહ્યા છે.
અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી છટણી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 2018માં ટ્રમ્પ રાષ્ટ્રપતિપદ પર હતા ત્યારે 35 દિવસ સુધી ચાલેલી શટડાઉનને આજે પણ યાદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન આશરે 3,80,000 ફેડરલ કર્મચારીઓને રજા પર મૂકી દેવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ બીજા 4,20,000 કામદારોને પગાર વિના કામ ચાલુ રાખવાની ફરજ પડી હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ તેના કરતા પણ વધારે ગંભીર બની રહી છે. આ બાબતે અત્યારે યુએસમાં ચર્ચાનો દોર શરૂ થયો છે.
છટણીના સંકેતો મળતા કર્મચારીઓ ચિંતિત
રસપ્રદ બાબત એ છે કે, 2025ની શરૂઆતમાં જ છૂટા કરવામાં આવેલા સેંકડો ફેડરલ કર્મચારીઓને તાજેતરમાં પાછા બોલાવવામાં આવ્યા છે. તેમને ઈલોન મસ્કના માધ્યમથી હાથ ધરાયેલા ખર્ચા ઘટાડાના ઉપાયોના ભાગરૂપે હટાવવામાં આવ્યા હતા. તેમ છતાં, હાલ ફરીથી છટણીના સંકેતો મળતા કર્મચારીઓમાં અનિશ્ચિતતા ફેલાઈ છે. અમેરિકન અર્થશાસ્ત્રીઓ આ માટે ચિંતિત હોવાનું પણ જાણવા મળ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવ્યા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, શટડાઉન નક્કી જ છે. કારણ કે ડેમોક્રેટ્સ ગાંડા છે. તેનો અર્થ એ છે કે, આ છટણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવી રહ્યાં છે. અમેરિકામાં બુધવારથી નવું નાણાકીય વર્ષ શરૂ થાય છે ત્યારે સરકારને ભંડોળ પૂરું પાડવા અંગે તમામ પ્રકારના ધારાસભ્યો અત્યાર સુધી કોઈ કરાર પર પહોંચી શક્યા નથી. POTUS એ અગાઉ ટોચના કોંગ્રેસનલ ડેમોક્રેટ્સ સાથેની એક ઉચ્ચ-સ્તરની બેઠક રદ કરી હતી.
પ્રોટેક્ટ ડેમોક્રસીએ શું ચેતવણી આપી?
રાજકીય તાણાવાણ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શટડાઉન માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે. સાથે સાથે પ્રોટેક્ટ ડેમોક્રસી નામના એક વકીલાત સમૂહે ચેતવણી આપી છે કે, આરોગ્ય સંભાળ અને શિક્ષણ માટે કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલ લગભગ 8 બિલિયન ડોલરનો ઉપયોગ ન થઈ જવાનો ભય છે, જેને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દ્વારા રોકી રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો…શું ઓબામાનો ઈશારો ટ્રમ્પ તરફ હતો? જાણો કેમ છેડાઈ છે વૃદ્ધ નેતૃત્વ પર ચર્ચા